RAIN FORECAST FOR NEXT 6 DAYS : ગુજરાતમાં 6 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં મેઘરાજા છેલ્લા કેટલાક દિવસોથી આરામના મૂડમાં છે, ત્યારે અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે છે. તો ક્યાંક ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 10 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 5 થી 8 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ જિલ્લાના અમુક સ્થળોએ અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
જ્યારે 9-10 ઓગસ્ટના રોજ કચ્છના છૂટાછવાયા સ્થળોએ અને અન્ય 32 જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
રાજ્યમાં આજે (4 ઓગસ્ટ) છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા મુજબ, ભાવનગરમાં 1.97 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં 1.38 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નવસારી, ગાંધીનગરના માણસા, મહીસાગરના લુણાવાડા, ખેડાના કપડવંજ, તાપીના ડોલવણ, ભાવનગરના ઘોઘા સહિત અન્ય 91 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.