Gandhinagar Goes Plastic-Free : ગાંધીનગરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે 10 સ્થળોએ કાપડ ની થેલી 10 રૂપિયામાં મળશે અને વેન્ડિંગ મશીન પણ મુકાશે

Gandhinagar Secretariat Goes Plastic-Free : ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે નવી પહેલ શરૂ કરી છે. શહેરમાં દસ જુદા જુદા સ્થળોએ કપડાની થેલીના વેન્ડિંગ મશીન મૂકવામાં આવશે. નાગરિકો આ મશીનમાંથી માત્ર દસ રૂપિયામાં કપડાની થેલી ખરીદી શકશે.

પી એન્ડ બી મીડિયા કન્સલ્ટન્ટ આ પ્રોજેક્ટનું અમલીકરણ કરશે. સ્થાયી સમિતિના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું કે કોર્પોરેશનને આ પ્રોજેક્ટમાં કોઈ ખર્ચ નહીં થાય. એજન્સી વેન્ડિંગ બુથ પર જાહેરાતો મૂકીને આવક મેળવશે.
વેન્ડિંગ બુથ માર્કેટ, શાળા-કોલેજ કેમ્પસ, સચિવાલય, મહાત્મા મંદિર અને અક્ષરધામ જેવા ભીડવાળા વિસ્તારોમાં સ્થાપિત થશે. આ બુથ પર ડ્રાય વેસ્ટનો સંગ્રહ પણ કરવામાં આવશે. એજન્સીએ દર મહિને કચરા સંગ્રહ અને થેલી વેચાણનો રિપોર્ટ કોર્પોરેશનને આપવાનો રહેશે.
કોર્પોરેશને એજન્સી માટે નિયમો બનાવ્યા છે. નિર્ધારિત સ્થળો સિવાય કચરો ફેંકવા પર 200 રૂપિયા દંડ લેવાશે. કચરાનો સમયસર નિકાલ ન કરવા પર 100 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. આ પ્રોજેક્ટ દસ વર્ષ માટે મંજૂર કરવામાં આવ્યો છે.