GROUND ON LEASE FOR NAVRATRI : વિવાદ થતાં VNSGUએ 24 કલાકમાં રાત્રી માટે યશ્વી ફાઉન્ડેશનને આપેલી જમીનનો ઓર્ડર તાત્કાલિક અસરથી રદ કર્યો

GROUND ON LEASE FOR NAVRATRI : ગત 15 જુલાઈના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નીતિ-નિયમો નેવે મૂકી ટેન્ડર વગર જ યશવી ફાઉન્ડેશનના કર્તાહર્તા પરેશ ખંડેલવાલને નવરાત્રી માટે ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં આવેલી મોકાની 1.80 લાખ ચોરસમીટર જગ્યા ફક્ત 62 લાખમાં ભાડેપટ્ટે આપી દીધી હતી. શિક્ષણ માટેથી જગ્યા નવરાત્રી માટે ભાડે આપી દેતાં વિવાદ થયો હતો. આ વિવાદ વધતા હવે યશ્વી એન્ટરટેઇનમેન્ટને ભાડે આપેલી જગ્યાનો ઓર્ડર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો છે.

જો કે આ પહેલાં આ નિર્ણય અંગે કુલપતિ લુલો બચાવ કરતા પણ સામે આવ્યા હતા. પરંતુ હવે તેમણે પલટી મારવી પડી છે. 15 જુલાઈએ કુલપતિ કિશોરસિંહ ચાવડાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, પોલિસી બનાવ્યાના બે મહિના બાદ યશ્વી ફાઉન્ડેશન દ્વારા અરજી કરવામાં આવી હતી. જેને અમે માન્ય રાખી હતી. યશ્વી ફાઉન્ડેશન દ્વારા આ ગ્રાઉન્ડમાં જે 30થી 40 લાખનું ખર્ચે પુરાણ કરવાનું હતું, તે પણ તે કરી આપવા તૈયાર હતા. જેથી તેમને અરજી આધારે ગ્રાઉન્ડ નવરાત્રી માટે આપવામાં આવ્યું.
યુનિવર્સિટીના સત્તાધીશોએ ભેગાં મળીને યુનિવર્સિટીની 1.80 લાખ ચોરસમીટર જમીન ફક્ત 62 લાખ રૂપિયામાં યશ્વી ફાઉન્ડેશનને ભાડે આપી હતી. યશ્વી ફાઉન્ડેશનને જગ્યા ભાડે આપવા માટે કુલપતિએ તમામ નીતિ નિયમો અભરાઈએ ચઢાવી દીધા હતા. નવરાત્રી માટે જગ્યા ભાડે આપવા માટે સામાન્ય રીતે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે તો હેલ્ધી સ્પર્ધા થઈ શકે.
ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને પાલિકા ઈન્દોર સ્ટેડિયમ ભાડે આપે છે ત્યારે ટેન્ડર પ્રક્રિયાથી જ આપે છે. પરંતુ, યુનિવર્સિટીના સત્તાધીશોએ ટેન્ડર વગર જે લગડી જેવી જમીન કોડીના ભાવે આપી દીધી હતી. યુનિવર્સિટીએ બંધ બારણે નિર્ણય લેતાં વિવાદ થયો હતો. હવે આ વિવાદ શાંત પાડવા માટે આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે.

GROUND ON LEASE FOR NAVRATRI : નર્મદ યુનિવર્સિટી દ્વારા સરકારે બનાવેલા કોમન યુનિવર્સિટી એક્ટની આડમાં ગ્રાઉન્ડ ભાડે આપવાનો સમગ્ર ખેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં પાર પાડયો હોવાનું સામે આવ્યું હતું. સરકાર દ્વારા બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકના એજન્ડા અને મિનિટ્સને સિક્રેટની વ્યાખ્યામાં સમાવેશ કરાયો છે. જેને કારણે યુનિવર્સિટી સત્તાધીશોએ બારોબાર બંધ બારણે યોજાયેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં જમીન ભાડે આપવાનો એજન્ડા મુકી યશ્વી ફાઉન્ડેશનને જગ્યા ભાડે આપવા અંગેની SOP બનાવી કોઈને પણ ગંધ ન આવે એવી રીતે મંજુરી આપી દીધી હતી.