લાકડિયામાં કિંમતી જમીન ખોટો વ્યક્તિ ઉભો કરી, રુ.11 લાખ મેળવી જમીન વેંચી નખાઇ

મુળ ભચાઉના લાકડીયાના અને હાલે ધંધાર્થે મુંબઇ વસતા પરિવારની કિંમતી જમીન ખોટો વ્યક્તિ ઉભો કરી તેનું ખોટું આધારકાર્ડ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી વેંચી નખાઇ હોવાનું અને જેને વેંચી તેની પાસેથી પણ રૂ.11 લાખ લઇ વિશ્વાસઘાત કરનાર પાંચ જણા સામે જમીન માલિકે લાકડિયા પોલીસ મથકે ફોજદારી નોંધાવી છે.
હાલે ધ઼ધાર્થે મુંબઇ વસતા વિશનજીભાઇ વીરજીભાઇ છાડવાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ ત્રણે ભાઇ મુંબઇ વસે છે, લાકડિયા સીમમાં ત્રણે ભાઇઓની સંયુક્ત માલીકીની 150 એકર જમીન છે. આ જમીન પૈકી તેમના નાના ભાઇ શાંતિલાલ વીરજીભાઇ છાડવાના નામે સર્વે નંબર376/1 જે લાકડીયા ગ્રામપંચાયતમાં નોંધાયેલી છે.

આ જમીન વતન આવતા ત્યારે દેખરેખ રાખતા હતા. થોડા સમય પહેલાં તેમની જ્ઞાતિના નવીનભાઇ અને મુકેશ મારાજના નામે ખોટા આધારકાર્ડ બનાવી ખોટા માણસો ઉભા કરી જમીનોનું ખોટું વેંચાણ થઇ રહ્યું છે
ધ્યાનમાં આવતાં તેમણે તપાસ કરાવી તો તેમના નાના ભાઇ શાંતીલાલ વીરજી છાડવાના બદલે અન્ય માણસને ઉભો કરી તેમનું ખોટું આધારકાર્ડ બનાવી ખરા તરીકે ઓળખ આપી લાકડીયાના રોહિતગીરી પ્રભુગીરી ગોસ્વામી, સામખીયાળીના હાસમભાઇ બાબુભાઇ મીર, મુ઼બઇના પરેશ ગડા, ફરીયાદીના ભાઇનું ખોટું આધારકાર્ડ બનાવનાર અને તેમના ભાઇની ખોટી ઓળખ આપનારે આ જમીન લેનાર પાર્ટી રાજેશભાઇ ભગુભાઇને અઘાટ વેંચાણ આપવા અંગે નોટરાઇઝ સોદા ખત કરી તેમની પાસેથી રુ.11 લાખ મેળવી ખોટા દસ્તાવેજ બનાવી ઠગાઇ અને છેતરપિડી કરી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું છે.
પીઆઇ જે.એમ.જાડેજાએ ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.