કચ્છ યુનિવર્સિટીમાં ચાલુ વર્ષથી જ એક્સટર્નલ કોર્ષ શરૂ થતાં વિદ્યાર્થીઓને ફાયદો

ઘરે બેઠા BA, B.COM, MA અને M.COM કરી શકાશે
સરહદી કચ્છમાં તાલુકા અને જિલ્લા મથક સુધી દૂરનું અંતર તેમજ ઉચ્ચ અભ્યાસ માટે એક્સ્ટર્નલ કોર્સ શરૂ કરવાની વિદ્યાર્થીઓ તરફથી ભારે માંગ હતી પરંતુ કચ્છ યુનિવર્સિટી પાસે નેકની માન્યતા ન હોવાથી છેલ્લા 5 વર્ષથી એક્સ્ટર્નલ કોર્સ બંધ હતા.જોકે હવે કચ્છ યુનિવર્સિટી પાસે નેકની માન્યતા આવી જતા જરૂરી મંજૂરી મેળવીને આ શૈક્ષણિક વર્ષથી જ કચ્છ યુનિવર્સિટીમાં એક્સટર્નલ કોર્સ શરૂ કરવાનો વિદ્યાર્થીલક્ષી મહત્વનો નિર્ણય યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ખાસ કરીને અભ્યાસ માટે દૂરનું અંતર, મર્યાદિત કૉલેજ તેમજ પરિવહનની અપૂરતી સુવિધા અને નોકરી સહિતના કારણોના લીધે ધોરણ 12 પછી ઘણા વિદ્યાર્થીઓ એક્સટર્નલ કોર્સ કરવાની અપેક્ષા રાખે છે.પરંતુ કચ્છ યુનિવર્સિટી પાસે નેકની માન્યતા ન હોવાથી વર્ષ 2020-21 એટલે કે 5 વર્ષથી એક્સ્ટર્નલ કોર્સ બંધ હતા. તાજેતરમાં યુનિવર્સિટીને નેક તરફથી માન્યતા મળી છે જેથી એકેડેમીક કાઉન્સિલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પરવાનગી મેળવવામાં આવી અને આ વર્ષથી જ એક્સટર્નલ કોર્સ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બાબતે કુલપતિ ડો.મોહન પટેલે જણાવ્યું કે, કચ્છના વિદ્યાર્થીઓની માંગ અને જરૂરિયાતને અનુલક્ષીને આ વર્ષથી જ બીએ, બીકોમ અને એમએ, એમકોમમાં એક્સ્ટર્નલ અભ્યાસ શરૂ કરવામાં આવશે.આ મહત્વના નિર્ણયથી વિદ્યાર્થીઓને ફાયદો થશે તેમ ઉમેર્યું હતું.
કુલસચિવ અનિલ ગોરે માહિતી આપતા જણાવ્યું કે,અગાઉ એકેડેમીક કાઉન્સિલમાં નિર્ણયને બહાલી આપવામાં આવી અને તેઓ તરફથી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ભલામણ કરાઈ હતી જેમાં મંજૂરી મળી જતા આ વર્ષથી સ્નાતક અને અનુસ્નાતકના એક્સ્ટર્નલ અભ્યાસ શરુ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.આગામી ટુંક સમયમાં ફૉર્મ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત યુનિવર્સિટીના બિન શૈક્ષણિક કર્મચારીઓને 50% પગાર વધારો તેમજ નવા સર્ટિફિકેટ કોર્સને મંજૂરી આપવામાં આવી છે.
ઘરે બેઠા BA, B.COM, MA અને M.COM કરી શકાશે : નેકની મંજૂરી મળતા લાંબા સમયથી ગૂંચવાયેલો પ્રશ્ન ઉકેલાયો
હાલમાં સ્નાતક અને અનુસ્નાતકમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે.જીકાસ પોર્ટલની કામગીરીને કારણે પ્રવેશ પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબથી સૌ કોઈ વાકેફ છે.અન્ય યુનિવર્સિટીના અભિપ્રાય મેળવાયા બાદ એક્સટર્નલ કોર્સમાં ઓફલાઈન ફોર્મ ભરવાનું નક્કી કરાયું છે.નવી એજ્યુકેશન પોલીસી પ્રમાણે વિષય સહિતનું માળખું નક્કી થયા બાદ આગામી ટૂંક સમયમાં ફોર્મ ભરવાની તારીખ સહિતની વિગતો કચ્છ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
રેગ્યુલર અભ્યાસમાં વિદ્યાર્થીને કોલેજ કે યુનિવર્સિટીમાં નિયમિત જવાનું હોય છે જ્યાં હાજરીની નોંધ થાય છે તેમજ ઇન્ટર્નલ અને યુનિવર્સિટી એમ બે પરીક્ષા આપવાની હોય છે જ્યારે એક્સટર્નલ પરીક્ષામાં વિદ્યાર્થીને અભ્યાસ માટે જવાનું હોતું નથી. નવી શિક્ષણનીતિ મુજબ સેમેસ્ટર પ્રમાણે પરીક્ષા આપવાની રહેશે.