એરપોર્ટને નડતરરૂપ 27 વૈભવી ફ્લેટ (અઢીથી 5 કરોડની કિંમતના 151 ફ્લેટ) ખાલી કરવા માલિકોને આદેશ

આ 3ને બિલ્ડિંગોને બીયુ ન અપાઇ
પાલિકાએ પાલના કાસા રિવેરા, વેસુના KPM- સેલેસ્ટિયલ ડ્રીમ્સના અઢીથી 5 કરોડની કિંમતના 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા માલિકોને નોટિસ આપી દીધી છે. આ બિલ્ડિંગો જ્યારે બની તે પહેલાં પ્રક્રિયા મુજબ એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી હતી, જેના આધારે પાલિકાએ વિકાસ પરવાનગી આપી હતી. બની ગયા પછી એરપોર્ટ ઓથોરિટીએ જ બિલ્ડિંગો જે સ્ટેજમાં છે તે જ સ્ટેજમાં રાખી મુકવા પાલિકાને રિપોર્ટ કર્યો હતો, જેના આધારે પાલિકાએ કાસા રિવેરા, કેપીએમ ટેરાપ્રાઈમ અને સેલેસ્ટીયલ ડ્રીમ્સની બીયુ પરવાનગી આપી ન હતી.

2-3 વર્ષથી કરોડોની કિંમતના આ વૈભવી બિલ્ડિંગોને બીયુ અપાઈ ન હતી છતાં બિલ્ડરોએ અહીં વૈભવી ફ્લેટ વેચી દીધા હતા અને લોકો અહીં રહેવા પણ આવી ગયા છે. હવે પાલિકાએ 151 ફ્લેટ માલિકોને રાતોરાત ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી છે. જેને પગલે બિલ્ડરો પણ દોડતા થઈ ગયા છે. જો આ ફ્લેટધારકો વૈભવી ફ્લેટ ખાલી નહીં કરે તો પાણી અને ડ્રેનેજના કનેક્શનો પણ કાપી નાંખવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 6 બિલ્ડિંગો જે એરપોર્ટને નડતરરૂપ છે અને હાઈકોર્ટમાં ગયા ન હતા તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે.