કંડલા ખાતે વે બ્રિજમાં તોલ માપમાં ગોટાળા કરવા વપરાતી ચીપ પકડાઈ

પોર્ટે કડક સંદેશ આપી કર્મચારી કે ઉપભોક્તા, તમામ પર કાર્યવાહીનો આદેશ આપ્યો, ચાર વર્ષ પહેલા પણ મળી હતી ચીપ
કંડલા પોર્ટ અધિકારીઓ દ્વારા વહન તોલણ માટે ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રોનિક વે બ્રિજ સિસ્ટમ સાથે ચેડા કરવાનો ગંભીર પ્રયાસ ઝડપાયો છે. મળતી માહિતી મુજબ વે બ્રીજ 15 નંબરના સાધન સાથે અનધિકૃત રીતે ચેડા કરાયો હોવાના પુરાવા અધિકારીઓ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા હતા. હાલમાં આ કેસમાં સંકળાયેલા શખ્સની ઓળખ માટે તપાસની પ્રક્રિયા ચાલુ છે અને સંબંધિત કાયદાઓના આધારે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ચીપ થકી ભારનું આકલન કરતા મશીનરી પર પ્રભાવ નાખીને તેમા ફેરબદલ કરવામાં આવતો હતો.
બંદર વિસ્તારમાં સુવ્યવસ્થિત કામગીરી માટે મહત્વપૂર્ણ ગણાતા વે બ્રિજ સાથે આવું ચેડાંખોરીયું વર્તન સુરક્ષા તથા વ્યવસ્થાના દૃષ્ટિકોણે અત્યંત ગંભીર બાબત છે. બંદર પ્રશાસને તમામ સંબંધિતોને ચેતવણી આપી છે કે વે બ્રિજ પર સતર્ક નજર રાખવામાં આવે અને આવી કોઇ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ તાત્કાલિક નિયંત્રણમાં લેવામાં આવે.
પોર્ટ પ્રશાસન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કોઇપણ વ્યક્તિ સામે IPC (ભારતીય દંડ સંહિતા) તેમજ DPA (દીન દયાલ પોર્ટ ઓથોરિટી)ના નિયમો હેઠળ કડક કાનૂની પગલાં લેવામાં આવશે. અધિકારીઓએ સંબંધિત તમામ વિભાગોને સૂચના આપી છે કે આ મુદ્દે કોઇ પણ પ્રકારની બેદરકારી નહિ રાખવી અને આ પ્રકારની ચેડાખોરી રોકવા માટે પૂર્ણ સહકાર આપવા જણાવ્યું છે.