અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ રદ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ રદ:યાત્રીઓને ભારે હાલાકી, ટેક-ઓફના માત્ર થોડાક કલાકો પહેલાં જ ટેકનિકલ ખામી પકડાતા યાત્રીઓના જીવ બચ્યા
અમદાવાદ તાજેતરમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં જ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને રદ કરવાની ફરજ પડી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 159, જે બોઇંગ 788ની હતી અને બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન માટે ટેક-ઓફ થવાની હતી, તે ટેકનિકલ ખામીના કારણે કેન્સલ કરવામાં આવી છે.
ટેકઓફ પહેલા જ ટેક્નિકલ ખામી પકડાતા દુર્ઘટના ટળી
મળતી માહિતી મુજબ, ફ્લાઇટ ટેક-ઓફના માત્ર થોડાક કલાકો પહેલાં જ આ ટેકનિકલ ખામી ધ્યાનમાં આવી હતી. સદનસીબે, સમયસર આ ખામી પકડાઈ જતાં મોટી દુર્ઘટના ટળી છે અને સેંકડો યાત્રીઓનો જીવ બચી ગયો છે. જોકે, આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લંડન જવા નીકળેલા અનેક યાત્રીઓ એરપોર્ટ પર જ અટવાઈ પડ્યા હતા.
એર ઈન્ડિયા દ્વારા ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ અમદાવાદથી લંડન જતી આ સતત એર ઇન્ડિયાની બીજી ફ્લાઇટ છે, જેને રદ કરવી પડી છે. અગાઉ પણ એક ફ્લાઇટમાં ખામી સર્જાતા તેને રદ કરવામાં આવી હતી. એર ઇન્ડિયા દ્વારા યાત્રીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ વારંવાર આવી ઘટનાઓ બનવાથી યાત્રીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ફ્લાઈટ નંબર 171નો ઉપયોગ નહિ કરે
ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે નિર્ણય લીધો છે કે, હવે તેઓ ફ્લાઈટ નંબર 171નો ઉપયોગ નહિ કરે અને હવે ફ્લાઈટનો નંબર 159 અપાય છે. આ નિર્ણય તાજેતરમાં અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ લેવામાં આવ્યો છે, જેમાં 241 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.