મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી સીધા અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લઇ તેમના ખબર-અંતર પૂછ્યા

અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 50થી વધુ મોત નીપજ્યા છે. વિમાન દુર્ઘટના જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી સીધા અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લઇ તેમના ખબર-અંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ ગણાવી હતી અને ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.
આ ભયાનક અકસ્માત બાદ તેમણે તાત્કાલિક ધોરણે બચાવ અને રાહત કાર્યને વેગ આપવા સૂચનાઓ આપી હતી. તેમણે ઘાયલ મુસાફરોને ઝડપથી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા અને હોસ્પિટલોમાં યુદ્ધના ધોરણે તમામ તબીબી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના પણ નિર્દેશ આપ્યા હતા.
આ દુર્ઘટનાને પગલે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અમિત શાહે આ વિમાન દુર્ઘટનામાં ચાલી રહેલા બચાવ અને રાહત કાર્યો માટે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને કેન્દ્ર સરકારના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી. આ દુર્ઘટનામાં જાનહાનિ અને નુકસાન અંગેની વિગતો હજુ સામે આવી રહી છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
ગુજરાત સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટે6357373831 અને 6357373841 બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે.
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો