
Gujarat weather : રાજ્યમાં સૌથી વધુ ગરમી કચ્છમાં : જનજીવન ત્રાહિમામ
Gujarat weather : વૈશાખ માસ તેના અંતિમ પડાવ તરફ છે, ત્યારે વૈશાખી તાપે પોતાનો અસલ પ્રભાવ દેખાડવાનું શરૂ કરતાં કચ્છનું જનજીવન તોબા પોકારી ઊઠયું છે. આખાં રાજ્યની ગરમી જાણે કે, કચ્છમાં પડી રહી હોય તેમ ભુજ અને અંજાર-ગાંધીધામ રાજ્યનાં ગરમ મથકોમાં અગ્રેસર રહ્યાં છે. અંજાર-ગાંધીધામમાં 43 અને ભુજમાં 42.7 ડિગ્રી મહત્તમ તાપમાને આભમાંથી અંગારા વરસતા હોય તેવી આકરી ગરમી અનુભવાઈ હતી.
વધુ માં આ પણ વાંચો : કચ્છમાં ઇન્દિરાજીથી એક કદમ આગળ થશે નરેન્દ્ર મોદી
Gujarat weather : અરબી સમુદ્રમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાય તેવી હવામાન વિભાગે સંભાવના દેખાડી છે. આ સિસ્ટમની અસર તળે રાજ્યની સાથે કચ્છમાં પણ વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે કચ્છમાં છેલ્લા ચારેક દિવસથી ગરમીનું આકરું મોજું ફરી વળતાં સૂરજબારીથી લઈ કોટેશ્વર સુધીના વિસ્તારમાં તાપનું એકચક્રી શાસન જોવા મળી રહ્યું છે. મધ્યાહન કાળે ઘરથી બહાર નીકળવું કચ્છીમાડુઓ માટે અગનકસોટીસમું પૂરવાર થઈ રહ્યું છે.
Gujarat weather : કંડલા એરપોર્ટ 43 ડિગ્રીએ રાજ્યનું પ્રથમ, તો 42.7 ડિગ્રીએ ભુજ બીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. કચ્છનાં આ બે ઉપરાંત રાજ્યના અન્ય પાંચ શહેરોમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. મહત્તમ સામે લઘુતમ પારો કચ્છના ચારેય મથકમાં 27થી 29 ડિગ્રી જેટલો ઊંચો રહેતાં દિવસના ભાગે આકરા તાપના માર પછી રાત્રે પણ ઊકળાટનો પ્રભાવ વર્તાયો હતો. કચ્છમાં સામાન્ય રીતે મે માસમાં મહત્તમ તાપમાન 44-45 ડિગ્રી કે તેથી વધુ તાપમાન નોંધાતું હોય છે. જો કે, આ વખતે મે કરતાં એપ્રિલમાં ગરમી વધુ પડી હતી.
Gujarat weather : દરમિયાન હવામાન વિભાગે એક સપ્તાહ સુધી રાજ્યના અન્ય વિસ્તારની સાથે કચ્છમાં પણ કેટલાંક સ્થળે કમોસમી વરસાદ ગાજવીજ અને પવન સાથે વરસવાની આગાહીને યથાવત્ રાખી છે.