KUTCHI KESHAR KERI : કચ્છની કેસર કેરી આ વર્ષે લોકો સુધી ઓછી અને મોડી પહોંચશે, માર્ચમાં કાળઝાળ તાપથી ફૂલ-ફાલ ખરી પડ્યા

KUTCHI KESHAR KERI : કચ્છની કેસર કેરી આ વર્ષે લોકો સુધી ઓછી અને મોડી પહોંચશે, કેમ કે કચ્છમાં આ વર્ષે વાતાવરણ અનુકૂળ ન રહેવાથી કેસર કેરીનો ફાલ બરાબર આવ્યો નથી. આ વર્ષે કચ્છમાં વાતાવરણ પલટાના કારણે બાગાયતી ખેતી કરતા ખેડૂતોના કહેવા મુજબ, કેસર કેરીના ફૂલ અને ફાલ ખરી પડતાં કચ્છની કેસર કેરીમાં 60-70 ટકાનો ઘટાડો નોંધાઈ શકે છે. કચ્છમાં માવઠા પછી અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે કેરીના મોર (ફૂલ) સખત તાપના કારણે બળી ગયા છે. ગત આખા સપ્તાહ દરમિયાન કમોસમી માવઠાની કળ કેરીના પાકને વળી નથી ત્યાં હજુ કમોસમી વરસાદ પડશે તો ઝાડ પરથી કાચી- પાકી કેરીઓ ખરી પડશે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે.
KUTCHI KESHAR KERI : માધાપરના ખેડૂતે જણાવ્યું હતું કે, કચ્છની કેસર પહેલી જૂન આસપાસ બજારમાં આવે છે. બે મહિના પહેલા આંબા ઉપર ફૂલ અને ફાલ જોવા મળે છે. પરંતુ આ વર્ષે માર્ચ મહિનામાં જ આકરી ગરમી સાથે ભેજવાળું વાતાવરણ પણ હોવાથી કેરીના ઝાડ પરથી ફૂલ અને ફાલ ખરી પડયા. જે આંબામાંથી 20થી 35 કિલો કેરી મળતી હતી તેમાં 50 ટકાનો ઘટાડો નોંધાઈ શકે છે.
KUTCHI KESHAR KERI : કચ્છ જિલ્લામાં દર વર્ષે 70-80 હજાર મેટ્રીક ટન આસપાસ કેરીનું ઉત્પાદન થતું હોય છે. ઉનાળાના આરંભે જ કાળઝાળ ગરમી અને કમોસમી વરસાદ થાય તો કેરીના પાકમાં ફુગ થવાથી કેરીઓ ખરી જતી હોય છે. જેના કારણે સીધી ઉત્પાદનને અસર થાય છે.
KUTCHI KESHAR KERI : કચ્છ જિલ્લામાં અંદાજે 10900 હેક્ટરમાં કેસર કેરીના વાવેતરનું અનુમાન છે. કચ્છ જિલ્લામાં માંડવી, ભુજ નખત્રાણા અને અંજાર તાલુકામાં કેસર કેરીનું વધુ વાવેતર છે. તાજેતરમાં આ જ તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને નુકસાનની ચિંતા સતાવે છે. કચ્છની કેસર કેરીના ભાવ પ્રતિ 10 કિલોના 700થી શરૂ થતા હોય છે જે વધીને 1200 રૂપિયામી આસપાસ રહેતા હોય છે. કચ્છમાં કમોસમી વરસાદ થાય તો તેની સીધી અસર કેરીના બગીચા છે તેના અડધો અડધ વિસ્તાર પર થાય છે. ચાલુ વર્ષે માર્ચ મહિનામાં ભારે ગરમીના કારણે દેશલપરથી વેસલપર સુધી રોહા પંથકના વિસ્તારમાં આંબાની વાડીમાં વૃક્ષો પર લાગેલી આંબાની કળીઓ બળીને ખરી ગઈ હતી. જેથી, સિઝનના પ્રારંભે જ નુકસાન થવાની ખેડૂતોને ધારણા બંધાઈ હતી.
KUTCHI KESHAR KERI : કચ્છની કેરીની ડિમાન્ડ દેશના મોટાભાગના રાજ્યોમાં તેમજ વિશ્વના અડધો ડઝન દેશોમાં છે. ગુજરાત ઉપરાંત મુંબઈ, દિલ્હી, બેંગલોર, કોલકતા, હૈદરાબાદ સહિત મોટાભાગના રાજ્યોમાં કચ્છી કેસર જાય છે. તો અમેરિકા, મોરેશિયસ, લંડન, કેન્યા, દુબઈ અને કુવૈત સહિત ભારતીયો અને પટેલોની વસતી છે તેવા અડધો ડઝનથી વધુ દેશોમાં કચ્છી કેસર કેરીની નિકાસ થાય છે. હોલસેલ વેપારીઓ ખેડૂતો સાથે એકથી બે કરોડનો માલ હોય તેવા કેરીના બાગ જ ભાડે રાખી લેતાં હોય છે. જો, વાતાવરણમાં પલટો આવે તો કેરીની ઉપજ અડધી થઈ જાય તો વેપારીને નુકસાન થાય છે.
KUTCHI KESHAR KERI : કચ્છી કેસર કેરી મે મહિનાના મધ્ય ભાગથી બજારમાં આવવા લાગે છે અને સિઝન જૂનના અંત ભાગ સુધી રહેતી હોય છે. ચોમાસુ લંબાય તો વેપારીઓ અને ખેડૂતોને ફાયદો થતો હોય છે. પરંતુ, છેલ્લા પાંચેક વર્ષથી મોર બેસે, ખાખડી કેરી થાય અને ઝાડ ઉપર જ કેરી પાકવા આવી હોય તેવા સમયે જ માવઠા, ભારે પવન અને વાવાઝોડા જેવી સ્થિતિની ઘેરી અસર કેરીના ઉત્પાદનને પહોંચી રહી છે. ફેબ્રુઆરીથી આંબા ઉપર મોર બેસવાનું શરૂ થાય અને માર્ચથી સખત તાપ સાથે તોફાની પવનની પરંપરા રહી છે. એપ્રિલ-મે મહિનામાં ખાખડી કેરી બેસવાની શરૂ થઈ હોય તેવા સમયે જ માવઠું, તોફાની પવનની અસર જોવા મળે છે. ખેડૂતો-વેપારીઓની કમનસીબી એ છે કે, ફેબ્રુઆરી કે ઐપ્રિલ-મે મહીનાના કુદરતી કોપને સહન કરી આંબા ઉપર કેરી પાકવા ઉપર આવેલી કેરી મે-જૂન મહીનામાં માવઠા કે વાવાઝોડાથી ખરી પડે છે. ખરી પડેલી કેરી વેપારીઓ ખરીદતાં નથી કે પૂરા ભાવ આપતાં નથી.