ILLEGAL MADRESA : ગરીબ લાભાર્થીઓને ફાળવાયેલા પ્લોટ માં ગેરકાયદે બનાવેલા મદરેસા પર બુલડોઝર

ILLEGAL MADRESA : અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી ગામમાં આવેલી મદરેસામાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈને આજે વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે. આ મદરેસામાં ભણાવતો મૌલાના મોહંમદફઝલ અબ્દુલ અજીજ શેખ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનું કનેક્શન ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. હાલ ગુજરાત ATS મૌલાનાની તપાસ કરી રહી છે.

ILLEGAL MADRESA : આ અંગે ધારી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મૌલાનાની ધરપકડ બાદ રેવન્યુ વિભાગને તપાસ સોંપવામાં આવી હતી, જેમાં મકાનનું ટાઇટલ ચેક કરતાં આ મકાન 100 ચોરસવારના પ્લોટમાં બાંધવામાં આવ્યું હતું. આ પ્લોટ જે-તે વખતે લેન કમિટી દ્વારા ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યો હતો, જે લાભાર્થી દ્વારા આ પ્લોટ દાનમાં અથવા વેચાણમાં આપેલો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું હતું, જેથી આ પ્લોટ લેન કમિટી પ્રમાણે શરતભંગ થતો હોવાથી સરકાર હસ્તગત કરવામાં આવ્યો છે અને પ્લોટ પર થયેલું બાંધકામ તોડવામાં આવ્યું છે.
આ અંગે DySP પરાક્રમસિંહ રાઠોડે જણાવ્યું હતું કે SDM અને ધારી મામલતદારની તપાસમાં આ મદરેસાનું બાંધકામ શંકાસ્પદ લાગતાં રેવન્યુમાં કેસ ચલાવવામાં આવ્યો હતો અને આધાર પુરાવા માગવામાં આવ્યા હતા, જોકે કોઇ આધાર પુરાવા ન મળતાં આજે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરાઇ છે. કોઇ અનિચ્છીય બનાવ ન બને એ માટે બે DySP, ત્રણ PI અને જરૂરિયાત મુજબની તમામ પોલીસ હાજર છે.
ILLEGAL MADRESA : ગત 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશ સાથે ગુજરાત પોલીસ પણ એક્શનમાં આવી ગઇ હતી અને શંકાસ્પદ લોકોની તપાસ ચાલુ કરાઇ હતી. આ દરમિયાન અમરેલી SOGની ટીમ ગેરકાયદે વસવાટ કરતા લોકોની તપાસ કરતી હતી, ત્યારે ધારીની હિમખીમડી મદરેસામાં ભણાવતા મોહંમદફઝલ અબ્દુલ અજીજ શેખ પર SOGને શંકા ગઇ હતી.
મૌલાના પર SOGને શંકા જતાં તેના આધાર પુરાવા માગ્યા હતા, જોકે મૌલાનાએ કોઇ આધાર પુરાવા રજૂ ન કરતાં તારીખ 02/05/2025ના રોજ SOGએ મૌલાનાને ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતાં તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે તેનો મોબાઇલ કબજે લઇને મોબાઇલની ઊંડાણપૂર્વક તપાસ કરતાં એમાંથી સાત જેટલાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનાં ગ્રુપ મળ્યાં હતાં.

ILLEGAL MADRESA : મૌલાનાના મોબાઇલમાંથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનાં વ્હોટ્સએપ ગ્રુપ મળતાં અમરેલી SOGએ જાણવાજોગ દાખલ કરીને તેની પૂછપરછ કરી હતી. પોલીસે તપાસ કરતાં આ તમામ ગ્રુપનું સંચાલન પાકિસ્તાનથી કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને ગ્રુપના સભ્ય તરીકે મૌલાનાને જોડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ ગ્રુપના તમામ સભ્યો પાકિસ્તાન અને બાંગ્લાદેશના જોવા મળ્યા હતા, જેમા મોટા પ્રમાણમાં અરબી ભાષામા મેસેજની આપ-લે થતી હતી. પોલીસે આ મેસેજનું ભાષાંતર કરાવ્યું હતું અને બાદમાં વધુ તપાસ માટે તારીખ 03/05/2025ના રોજ મૌલાનાને ATSને સોંપવામાં આવ્યો હતો. હાલ ATS તેની તપાસ કરી રહી છે.
ILLEGAL MADRESA : બીજી તરફ મદરેસાની જગ્યા કાયદેસર છે કે ગેરકાયદે એની ચકાસણી કરવા રેવન્યુ વિભાગના અધિકારી મદરેસા પહોંચ્યા હતા. નકશા અને પુરાવાની તપાસ કરવામાં આવી હતી, જેમાં આ પ્લોટમાં થયેલું બાંધકામ શરતભંગના કારણે થયું હોવાનું સામે આવતાં આજે મદરેસાની ઈમારત પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.