INDIA PAKISTAN WAR : ‘હજીરા પોર્ટ પર પાકિસ્તાને કર્યો હુમલો… થયુ ભારે નુકશાન!’: તણાવ વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો, અહીં જાણો તેની સત્યતા

INDIA PAKISTAN WAR : PIBએ એક લિંક પણ શેર કરી છે. જેમાં તે વિડીયોના દ્રશ્યો સાથેનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, દુબઈમાં ઓઈલ ટેન્કરના વિસ્ફોટથી આકાશમાં આગની જ્વાળાઓ દેખાઈ છે.
INDIA PAKISTAN WAR : ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે તણાવ વધ્યો હોવાની સ્થિતિ સામે આવી છે. ઑપરેશન સિંદૂર સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ પાકિસ્તાન પણ અકળાઈ ઉઠ્યું છે અને ભારત પર અનેક હુમલાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતના લગભગ 15 જેટલા શહેરો પર મિસાઈલ, ડ્રોન અને ફાઇટર જેટથી હુમલો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જોકે, ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના તમામ હુમલાઓ નિષ્ફળ બનાવી દીધા છે અને જવાબી કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. તેવામાં એક વિડીયો (Video) વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાને સુરતના હજીરા પોર્ટ (Hazira Port) પર હુમલો (Attack) કર્યો છે.
INDIA PAKISTAN WAR : આવી નાજુક પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા પર અનેક ફેક વિડીયો અને ખોટી માહિતીઓનો રાફડો ફાટ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો થઈ રહ્યો છે કે, હજીરા પોર્ટ પર પાકિસ્તાને હુમલો કર્યો છે. વિડીયોમાં આગ અને તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ સાથે જ વિડીયોમાં કોઈ માળખાનો નાશ કરવામાં આવ્યો હોવાનું પણ જોવા મળી રહ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાને આ સ્થળે મિસાઈલ હુમલો કર્યો હતો.
INDIA PAKISTAN WAR : જોકે, વિડીયો વાયરલ થયા બાદ PIBએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો પોસ્ટ કરીને ફેક્ટચેક કર્યું છે કે, “આ વિડીયો વ્યાપકપણે સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના હજીરા બંદર પર હુમલો કરાયો છે. જોકે, PIBએ પુષ્ટિ કરી છે કે, આ અસંબંધિત વિડીયો છે. જેમાં ઓઈલ ટેન્કર પર વિસ્ફોટને દર્શાવવામાં આવ્યો છે. વિડીયો 7 જુલાઈ, 2021નો છે.” આ સિવાય PIBએ અપીલ કરી છે કે, આવા ખોટા સમાચારોથી સતર્ક રહો.
INDIA PAKISTAN WAR : વધુમાં PIBએ એક લિંક પણ શેર કરી છે. જેમાં તે વિડીયોના દ્રશ્યો સાથેનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, દુબઈમાં ઓઈલ ટેન્કરના વિસ્ફોટથી આકાશમાં આગની જ્વાળાઓ દેખાઈ છે. આ અહેવાલમાં વિડીયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. આ તે જ વિડીયો છે, જે હજીરા પોર્ટના નામે વાયરલ કરવામાં આવ્યો હતો. જોકે, તે વિડીયો દુબઈનો છે, ભારતના કોઈપણ સ્થળને પાકિસ્તાની હુમલાઓમાં સહેજ પણ હાનિ નથી પહોંચી. પાકિસ્તાનના તમામ હુમલાઓ ભારતીય સેનાએ નિષ્ફળ કર્યા છે.