Rajkot Results 2025 : ચાની લારી ચલાવતા નારણભાઈના પુત્ર પરમાર રાજે બોર્ડની પરીક્ષામાં એકાઉન્ટ સહિતના વિષયમાં 100માંથી 100 મેળવ્યા

ગુજરાત રાજ્ય માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરની મોદી સ્કૂલના એક વિદ્યાર્થીએ અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ પરમાર નામના વિદ્યાર્થીના પિતા નારણભાઈ છેલ્લા છ-સાત વર્ષથી ચાની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
આ સફળતા અંગે વાત કરતા પરમાર રાજે જણાવ્યું હતું કે તેમને એકાઉન્ટ, અર્થશાસ્ત્ર અને SP & CC જેવા વિષયોમાં 100 માંથી 100 માર્ક્સ પ્રાપ્ત થયા છે. તેમણે પોતાની તૈયારી અંગે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ શાળા દ્વારા આપવામાં આવતું દૈનિક કાર્ય નિયમિત રીતે કરતા હતા. આ ઉપરાંત, શાળા દ્વારા લેવામાં આવતી યુનિટ ટેસ્ટ, સાપ્તાહિક ટેસ્ટ અને ડિઝાઇનર ટેસ્ટમાં પણ તેઓ સારો દેખાવ કરતા હતા.
Rajkot Results 2025 : પોતાના દિનચર્યા વિશે માહિતી આપતા રાજે જણાવ્યું હતું કે તેઓ શાળાના સમય ઉપરાંત દરરોજ બે થી ત્રણ કલાક પોતાના પિતાની ચાની લારી પર મદદ કરવા જતા હતા અને ઘરે પણ છ થી સાત કલાક જેટલું વાંચન કરતા હતા. તેમનું ભવિષ્યનું લક્ષ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવાનું છે. આ ભવ્ય સફળતાનો શ્રેય રાજ મોદી સ્કૂલના ટ્રસ્ટી રશ્મિકાંત મોદી, તેમના શિક્ષકો અને તેમના માતા-પિતાને આપતા રાજે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
પોતાના પુત્રની આ અસાધારણ સિદ્ધિથી નારણભાઈ અને તેમના પત્નીની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા હતા. ચાની લારી ચલાવીને પોતાના પરિવારનું પાલનપોષણ કરનારા નારણભાઈ અને તેમના પત્નીએ પોતાના પુત્રની આ સફળતા પર ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના દીકરાએ માત્ર તેમનું જ નહીં પરંતુ સમગ્ર પરિવારનું નામ રોશન કર્યું છે.
Rajkot Results 2025 : રાજકોટ શહેર અને જિલ્લા માટે આ વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ અત્યંત ઉત્સાહજનક રહ્યું છે. આ વર્ષે કુલ 93.66% વિદ્યાર્થીઓ સફળ થયા છે, જે ગત વર્ષના પરિણામની સરખામણીમાં 1.14% નો નોંધપાત્ર વધારો દર્શાવે છે.