કુખ્યાત ભૂ-માફિયા મહેમૂદ ઉર્ફે લલ્લા બિહારીની ધરપકડ, મોટા ખુલાસા થાય તેવી શક્યતા

કુખ્યાત ભૂ-માફિયા મહેમૂદ ઉર્ફે લલ્લા બિહારીની ધરપકડ, મોટા ખુલાસા થાય તેવી શક્યતા

રાજસ્થાન પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનાર લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરી છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને પનાહ આપવાથી લઇ દેહ વેપાર સુધીના અનેક ગુનાઓમાં તેઓ સંડોવાયેલા હતા.

લલ્લા બિહારી ઉર્ફે મહમૂદ પઠાણ ચંડોળા તળાવનો કાલિન ભૈયા હતો. દેશનાં કોઇ પણ ખુણેથી અથવા તો બાંગ્લાદેશથી કોઇ મુસ્લિમ જો ચંડોળા તળાવ આવે તો તેણે લલ્લા બિહારી પાસે જવું પડતું હતું. તો આ દરમિયાન પોલીસે લલ્લા બિહારીને રાજસ્થાનથી ઝડપાયો છે, જ્યારે આ પહેલા એટલે 29 એપ્રિલે તેના દીકરા ફતેહ મોહંમદની ધરપકડ થઈ ચૂકી છે.

લલ્લા બિહારી પર આરોપ છે કે તેણે બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી કરીને આવેલા લોકોનું શરણ લઇને તેમને રહેવા માટે મકાન ભાડે આપ્યા હતા. લલ્લા બિહારીનું ગેરકાયદેસર સામ્રાજ્ય માત્ર મકાન ભાડે આપવાનું નહોતું તે રિક્ષા સ્ટેન્ડ, દેહ વેપાર અને અન્ય અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે લલ્લા બિહારીના પુત્ર ફતેહ મહમદની પણ અગાઉ ધરપકડ થઈ હતી. બાપ-દીકરાએ મળીને ચડોળા તળાવ નજીક ગેરકાયદેસર રીતે પોતાની એક ગેંગ ઊભી કરી હતી, જ્યાંથી તેઓ અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હતા.

લલ્લા બિહારી 5 મકાનમાં 4 પત્ની સાથે રહેતો, બેંક ખાતાની વિગતો મળી

લલ્લા બિહારી લગ્નપ્રસંગમાં હાજરી આપવા રાજસ્થાન ગયો હોવાનું તેના દીકરા ફતેહ મોહંમદે પોલીસને જણાવ્યું હતું. જ્યારે ફતેહ મોહંમદ પાસેથી પોલીસે લલ્લા બિહારીનાં 5 ઘરનાં સરનામાં મળ્યાં હતાં. જ્યારે લલ્લા બિહારી આ પાંચ ઘરમાં 4 પત્ની સાથે રહેતો હતો. તેના પાંચેય ઘરમાંથી બેંક એકાઉન્ટની માહિતી તેમજ મોટી સંખ્યામાં બિલ બુકો મળી આવી હતી. જ્યારે દાણીલીમડા નૂર અહેમદી સોસાયટી ખાતેના તેના મકાનમાંથી પૈસા ગણવાનું મશીન, ભાડા કરાર, ભાડાની રસીદો સહિતના થોકબંધ ડોક્યુમેન્ટ મળ્યા છે.

કોણ છે લલ્લા બિહારી?

મહેમુદ પઠાણ નામનો વ્યક્તિ લલ્લા બિહારી તરીકે ફેમસ હતો. લલ્લા બિહારીએ ચંડોળા તળાવ પાસેની જગ્યામાં આલિશાન ફાર્મહાઉસ ઉભું કર્યુ હતું. લલ્લા બિહારી ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. બાંગ્લાદેશના લોકોને જગ્યા ભાડે આપતો હતો. તે વ્યક્તિ દીઠ 10થી 15 હજાર રૂપિયા વસૂલતો હતો. પશ્ચિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને લાવતો હતો. ગુજરાતના ખોટા દસ્તાવેજ બનાવી આપતો હતો. બોગસ ડોક્યુમેન્ટ, દસ્તાવેજના આધારે અમદાવાદના દસ્તાવેજ તૈયાર કરાવતો હતો. બાંગ્લાદેશી મહિલાઓનું શોષણ કરીને દેહ વ્યાપારમાં ધકેલતો હતો.

લલ્લા બિહારીના કૃત્યોના કારણે સ્થાનીક લોકોમાં ભયનું માહોલ હતું. પોલીસે કડક કાર્યવાહી કરીને તેમના જાળમાં ફસાયેલા બાંગ્લાદેશી ઘૂસણખોરો, રિક્ષા વ્યવસ્થા અને દેહ વેપારના નેટવર્ક વિશે પણ તપાસ શરૂ કરી છે. લલ્લા બિહારીએ ચંડોળા તળાવને પોતાનું સામ્રાજ્ય બનાવ્યું હતું. અહીં તેણે અસંખ્ય મકાનો બનાવીને તેને ભાડે ચડાવ્યા હતા. ઉપરાંત ચંડોળામાં પોતાનું આલિશાન ફાર્મ હાઉસ પણ બનાવ્યું હતું. પોલીસ હવે આ સમગ્ર માળખાને ખોલી રહ્યા છે અને વધુ લોકોની ધરપકડ થવાની શક્યતા છે.

વધુ સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *