CHOTA UDAIPUR : છોટાઉદેપુરમાં ડૉલોમાઈટની બત્રીસ ખાણો બંધ થતાં વીસ હજાર લોકો બેરોજગાર

CHOTA UDAIPUR : આદિવાસી અને પછાત એવા છોટાઉદેપુર જિલ્લામાં રોજગારીના સાધનો વધારવાના બદલે સરકાર રોજગારી ઘટાડી રહી હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યું છે. આ જિલ્લામાં વર્ષોથી ચાલતી 32 જેટલી ડોલામાઈટ પથ્થરની ખાણો માટે સરકારે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ નહી આપતા ખાણો બંધ થઈ છે. જેના પગલે 20 હજારથી વધુ લોકો બેરોજગાર બન્યા છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા ડોલામાઇટ ઉદ્યોગ સાથે સંકળાયેલા 6 સંગઠનોએ આજે 6 અલગ અલગ આવેદનપત્ર આપીને કલેકટરને રજૂઆત કરી છે.
છોટાઉદેપુર પંથકમાં વનાર, દડીગામ, કાનાવાંટ, ઝેર, બૈડવી પાડલીયા સહિત 25 ગામોમાં 25 જેટલી નાની અને 6 જેટલી મોટી ડોલામાઇટ પથ્થરની ખાણો આવેલી છે. જેના એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ જિલ્લા મથકેથી વર્ષ 2017-18માં તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા. જેને 2023માં એનજીટી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા રદ કર્યા હતા. જે બાદ એન્વાયરમેન્ટ સર્ટિ મેળવવુ હોય તો રાજ્યકક્ષાએથી મેળવવુ તેવો હુકમ થયો છે.
CHOTA UDAIPUR : ખાણ માલિકોનું કહેવું છે કે, માઇન્સમાં જવાના પ્રાઇવેટ રોડ હોવા છતાં રોડના કારણે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ કેન્સલ કરવામાં આવ્યા હતા.આ નિયમો અનુસાર ખાણ માલિકોએ ખાણો બંધ કરી દેવાનો વારો આવ્યો છે. જેથી હવે કાચો માલ ન મળતા ડોલોમાઈટની ફેક્ટરીઓ પણ બંધ કરવી પડે તેવો સમય આવી ગયો છે. જે પુનઃ ચાલુ કરવામાં આવે અને આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ થાય તે માટે મિનરલ મર્ચન્ટ એસોસિએશન, માઈન્સ એસોસિએશન, લઘુ ઉદ્યોગ ભારતી ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ટ્રક એસીઓસીએસન, મજદૂર સંઘ કર્મચારી મંડળ દ્વારા સત્ત્કટ હાઉસથી એક વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી. આ રેલી નગરના રાજમાર્ગો ઉપર ફરી કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને કલેક્ટરને આવેદન આપી સમસ્યા અંગે જાણ કરી હતી અને એનો નિકાલ કરવા માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ડોલોમાઈટની રોજગારી ઉપર નભી રહેલા છોટાઉદેપુર વિસ્તારની ખાણોમાં 20,000 જેટલા મજૂરો, કર્મચારી,માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને પ્રોસેસિંગ યુનિટમાં ફરજ બજાવે છે. જેઓની ખાણો બંધ થઈ જતા રોજગારી ઉપર તવાઈ આવી છે.