
સામૂહિક આપઘાતનો પ્રયાસ:પાંચ સભ્યોએ ઝેર પીધું, માતા-પિતાનું મોત, ત્રણ બાળકની હાલત ગંભીર; સારવાર માટે અમદાવાદ ખસેડાયાં
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં શનિવારે (12 એપ્રિલે) સવારે એક કરુણ ઘટના સામે આવી હતી. વડાલીના સગરવાસમાં રહેતા શ્રમિક પરિવારના પાંચ સભ્યએ ઝેરી દવા પી લીધી હતી. જેમાં માતાપિતાનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. જ્યારે તેમનાં ત્રણ બાળકને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જો કે, પરિવારે દવા કેમ પીધી તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
માતા-પિતાનાં મોતથી બાળકોએ છત્રછાયા ગુુમાવી
ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા વિનુભાઈ મોહનભાઈ સગર (ઉં.42)એ પત્ની કોકિલાબેન (ઉં.40) અને ત્રણ સંતાન સાથે મળી અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આસપાસના લોકોને ઘટના અંગે જાણ થતાં તેઓ તરત જ દોડી આવ્યા હતા.
પ્રથમ વિનુભાઈનું ને પછી કોકિલાબેનનું મોત નીપજ્યું
108 એમ્બ્યુલન્સની મદદથી તેઓને પ્રથમ તો વડાલીમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ તેમને ઈડરની પંચમ હોસ્પિટલ અને પછી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમિયાન પ્રથમ વિનુભાઈનું અને ત્યાર બાદ રાત્રે કોકિલાબેનનું મોત નીપજ્યું હતું.
ત્રણેય બાળકની સ્થિતિ હાલ નાજુક
આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે પરિવારનાં બે પુત્ર અને એક પુત્રીને ઝેરી દવાની વધુ અસર થતાં તેઓને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબો દ્વારા તાત્કાલિક તેમની ડાયાલિસિસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે 19 વર્ષીય પુત્રી ભૂમિકા, 18 વર્ષીય પુત્ર નિલેશ અને 17 વર્ષીય નરેન્દ્રને ઝેરી દવાની અસર વધુ હોવાને કારણે તેમની સ્થિતિ હાલ નાજુક છે. જેને લઇને તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યાં છે.
બાળકોને સારવાર માટે અમદાવાદ ખસેડાયાં
હિંમતનગર સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. દર્શના તબિયાડે જણાવ્યું હતું કે, સામૂહિક આપઘાત કરનાર પરિવારને શરૂઆતમાં વડાલી CHCમાં સારવાર માટે લઇ ગયા હતા, ત્યાંથી તેમને ઈડર ખસેડાયા હતા, ત્યાં પણ સ્થિતિ કાબૂમાં ન આવતાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જે બાદ અમે અહીં બાળકોને પ્રાથમિક સારવાર અને ડાયાલિસિસ કર્યા બાદ પણ તેઓની રિકવરી ન થતાં વધુ સારવાર માટે ત્રણેય બાળકને અમદાવાદ રિફર કરવામાં આવ્યાં છે.
મૃતક વિનુભાઈનો મોબાઈલ FSLમાટે મોકલવામાં આવશે
ઇડર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલે જણાવ્યું હતું કે, પરિવારે ઝેરી દવા ગટગટાવીને આપઘાત મામલે પોલીસને જાણ થતાં જ અમે હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે મૃતક વિનુભાઈની દીકરી કૃષ્ણા ઉર્ફે ભૂમિકાની પૂછપરછ કરીને જાણવાજોગ નોંધ લેવામાં આવી છે.
ઘટનાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ ઘટનાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. મૃતક વિનુભાઈનો મોબાઈલ ફોન જપ્ત કરીને FSLમાટે મોકલવામાં આવશે. પરિવારના રહેણાક વિસ્તારની આસપાસ હાલ પૂછપરછ ચાલુ છે. વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર. કે. જોષી તપાસ ચલાવી રહ્યા છે.