
ઉનાળે પાણીની સમસ્યાથી ત્રસ્ત રંગીલા રાજકોટ માટે આ ઉનાળામાં રાહત થાય એવું પગલું સરકારે લીધું છે. ધોળીધજા ડેમમાંથી નર્મદાનું પાણી છોડીને પાણી આજે આજી ડેમમાં ઠલવવામાં આવ્યું છે. મનપાએ રાજકોટ સિંચાઈ વિભાગ પાસે બે મહિના પહેલાં સૌની યોજનાના પાણી માટે માગ કરી હતી, જેને પગલે શહેરની જીવાદોરી આજી ડેમમાં આજે નર્મદાનું નીર ઠલવવામાં આવ્યું છે, જેને પગલે આજી ડેમની સપાટી 27 ફૂટે પહોંચી છે.
રાજકોટમાં જ્યારે માઠું વર્ષ રહે છે ત્યારે આજી ડેમની કફોળી સ્થિતિથી પાણીકાપનો સામનો કરવો પડે છે. સૌરાષ્ટ્રના ડેમો સુધી નર્મદાની પાઇપલાઇનનું નેટવર્ક પાથરવા રાજ્ય સરકારે સૌની યોજના હેઠળ આજી ડેમની જરૂર પડે છે, પરંતુ હાલ રાજકોટ શહેરના મુખ્ય જળસ્ત્રોત આજી-1 ડેમમાં મુખ્યમંત્રીએ સૌની યોજના હેઠળ મોઢે માગ્યું નર્મદા નીર ઠાલવી કુલ 29 ફૂટની ઊંડાઈના આજી-1 ડેમની સપાટી 27 ફૂટ સુધી પહોંચાડી દીધી છે. કુલ 944 MCFTની સંગ્રહક્ષમતા ધરાવતા આજી ડેમમાં હાલ 640 MCFTનો જળ જથ્થો ઉપલબ્ધ છે, જે કુલ સંગ્રહક્ષમતાના 66 ટકા છે. આમ છતાં મહાપાલિકા તંત્ર દ્વારા બે દિવસ વિવિધ પાંચ વોર્ડમાં ભરઉનાળે પાઈપલાઈન મેન્ટેનન્સના નામે કાપ ઝીંકાયો છે.
છઠી વખત મેન્ટેનન્સના કારણસર પાણીકાપ
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજી-1, ન્યારી-1 અને ભાદર-1માં પૂરતી માત્રામાં જળ જથ્થો ઉપલબ્ધ છે, તેમ છતાં સામાન્ય રીતે શિયાળામાં થતાં હોય તેવાં મેન્ટેનન્સનાં કામો ભરઉનાળે હાથ ધરીને પાણી વિતરણ બંધ રાખવામાં આવતાં શહેરીજનોમાં કચવાટની લાગણી પ્રસરી ગઈ છે. છેલ્લા 30 દિવસમાં સતત છઠી વખત મેન્ટેનન્સના કારણસર પાણીકાપ લાગુ કરવામાં આવ્યો છે.