STAMP DUTY : ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ માં દંડની રકમ ₹ 200 થી વધારી અને ₹ 1, 00,000 કરાઈ

STAMP DUTY : ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ માં દંડની રકમ ₹ 200 થી વધારી અને ₹ 1, 00,000 કરાઈ

STAMP-DUTY
STAMP-DUTY

STAMP DUTY : ગુજરાત વિધાનસભામાં ‘ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025’ રજૂ કરવામાં આવ્યું હતું. જે અનુસાર, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 62-ક (3) સાથે કલમ 9-એની જોગવાઈનું પાલન ન કરનાર અથવા સ્ટેમ્પ ડ્યૂટી વસૂલીને સરકારમાં જમા કરાવવામાં નિષ્ફળ જનાર કે સ્ટેમ્પ ડ્યૂટી સંદર્ભે ખોટી માહિતી આપનારની દંડની રકમમાં અકલ્પનિય વધારો કરવામાં આવ્યો છે. જેમાં દંડની રકમ હાલના 200 થી વધારીને 1 લાખ કરવામાં આવી છે. આ રીતે કરવામાં આવતો દંડ ઓછામાં ઓછો 10 હજાર રૂપિયા તો કરવો જ પડશે તેવી જોગવાઈ નવા સૂચિત સુધારા ખરડામાં દાખલ કરવામાં આવી છે. કલમ 62-ક ની 1, 2, 3 માં કરવામાં આવેલી નવી જોગવાઈ પ્રમાણે કેટલાક કિસ્સાઓમાં આ દંડની રકમ 200 થી વધારીને 50 હજાર રૂપિયા પણ કરી દેવામાં આવી છે. તેમ જ ઓછામાં ઓછી પેનલ્ટી 10 હજાર કરી દેવાની ખરડામાં જોગવાઈ કરવામાં આવી છે. દંડની જંગી રકમ રાખીને તે રકમમાં ઘટાડો કરવાની કલેક્ટરને સલાહ આપવામાં આવી હતી.

STAMP DUTY : કલમ 62- કનો ભંગ કરવાના પહેલા ગુના માટે 500 રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. જે તે વ્યક્તિ ગુનેગાર ઠરે ત્યારે તેને 5 હજાર રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. કલમ 62-કની જોગવાઈનો બીજીવાર ભંગ કરવા બદલ 1 હજાર રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ લાવવામાં આવી રહી છે. ત્રીજીવાર અને ત્યારબાદ આ ગુનો કરે તો 2 હજાર રૂપિયાનો દંડ અને બે વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આઘાતજનક બાબત તો એ છે કે, જેલની સજા કરવાની સત્તા કોર્ટને છે, પરંતુ આ ખરડા મારફતે આ સત્તા સ્ટેમ્પ અધિકારીને આપી દેવામાં આવી હોવાનું જણાય છે. કલમ 34 હેઠળ કરવા પાત્ર દંડ અત્યારની તુલનાએ દસ ગણો વધારી દેવામાં આવ્યો છે.

STAMP DUTY : મૃત્યુ પામેલાની મિલકતના વારસદાર પુત્ર કે પુત્રીને માત્ર 200 રૂપિયાના સ્ટેમ્પ લખી આપીને અન્ય ડ્યૂટી ભર્યા વિના મિલકત ટ્રાન્સફર કરી આપવાની બજેટમાં જોગવાઈ દાખલ કરવામાં આવી છે. જોકે, એકબાજુ આ જોગવાઈથી ભાજપ સરકારે જનતાને ખુશ કરી દીધી, તો બીજી બાજુ થનારી દરેક ચૂક માટે જંગી રકમનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરી છે. આ જ રીતે આર્ટિકલ 36માં સુધારો સૂચવીને તારણમાં આપેલી એટલે કે ગિરોખત કરી આપેલી મિલકત માટે 500 થી 1000 રૂપિયાનો દંડ કરવાની જોગવાઈમાં વધારો કરીને 5 હજાર રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરી દીધી છે.

STAMP DUTY : ઉલ્લેખનીય છે કે, 1999 પહેલાં સ્ટેમ્પ ડ્યૂટી લેવાતી નહોતી. હવે તે મિલકતો વેચવા જાય ત્યારે ડ્યૂટી વસૂલ કરવા માટે ડ્યૂટીની રકમ નક્કી કરી આપવામાં આવે છે. પહેલા આ ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીની રકમ ઉપરાંત 250 રૂપિયા જમા કરાવીને દસ્તાવેજ ક્લિયર કરાવી શકાતો હતો, હવે નવા સુધારા ખરડા મારફતે દાખલ કરવામાં આવેલી જોગવાઈ મુજબ મિલકત માલિકે ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીની બમણી રકમ સ્ટેમ્પ ડ્યૂટી તરીકે જમા કરાવવી પડશે. બીજા શબ્દોમાં કહીએ તો તેણે 50 હજારની સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની આવતી હોય તો તેની સામે 1 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી તરીકે જમા કરાવવા પડશે. આ પ્રકારના કિસ્સાઓમાં 20 કે 25 વર્ષની ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી ગણતરીમાં લેવામાં આવે તો તેના પર દર વર્ષે 3 ટકાના દરે દંડ ઉમેરવાની જોગવાઈ પણ દાખલ કરવામાં આવી છે. જોકે, કોઈપણ કિસ્સામાં ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીના છ ગણાથી વઘુ રકમને દંડ કરી શકાશે નહીં.

STAMP DUTY : ભાડાં પર રહેઠાણની અને કોમર્શિયલ પ્રોપર્ટી આપનારાઓ પરનો બોજો પણ વધારવામાં આવ્યો છે. 11 મહિના 39 દિવસના ભાડાં કરાર રહેઠાણ માટે હોય તો તેને માટે 500 રૂપિયાનો સ્ટેમ્પ અને કોમર્શિયલ માટે 1000 રૂપિયાનો સ્ટેમ્પ વાપરવાની જોગવાઈ છે. આ કરારની વિગતો પાંચ કે પંદર વર્ષથી નહીં દર્શાવવામાં આવી હોય તો તેને માટે 10 હજાર રૂપિયાનો સ્ટેમ્પ વાપરવો પડશે અને તે ઉપરાંતના વર્ષ માટે બે ટકાના દરે દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. સરકારે ડ્યૂટી માફી આપી હોય કે પછી તેવા વખતે ખૂટતી ડ્યૂટીની રકમ પર નહીં, પરંતુ ડ્યૂટીની સંપૂર્ણ રકમ પર દંડ કરવાની જોગવાઈ નવા બિલના માધ્યમથી લાવવામાં આવી છે.

STAMP DUTY : નોંધનીય છે કે, કલેક્ટર સમક્ષ તેને માટે અસલ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો હોય તે તારીખ અને કલેક્ટરે તેના પર હુકમ કર્યો હોય તે તારીખ વચ્ચેના સમયગાળાને દંડ માટેના સમયગાળા તરીકે ગણતરીમાં લેવામાં નહીં આવે. આ ગાળા માટે કોઈ જ દંડ કરવામાં આવશે નહીં.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *