ખાનપુરમાં કોરોના વિસ્ફોટ : 47 કેસ નોંધાતા હડકંપ, ગામમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર

વડોદરા :

વડોદરા જિલ્લામાં આવેલા ખાનપુર ગામમાં કોરોના વિસ્ફોટ થયો છે. એક જ સપ્તાહમાં નાનકડાં ખાનપુર ગામમાં 47 કેસ નોંધાતા ગામને સ્વયંભૂ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ડરના માર્યા લોકો ફફડી રહ્યાં છે. ગામના પટેલ ફળિયામાં જ 35થી વધુ કેસ મળી આવ્યાં છે. જેથી સમગ્ર ગામને 31મી માર્ચ સુધી સ્વયંભૂ રીતે સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. એક વર્ષ પછી ફરી લોકડાઉનને લઈને લોકોમાં હાહાકાર સાથે ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

સમગ્ર ગામને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. સમગ્ર ગામની શેરીઓમાં મીની ટ્રેકટરમાં ટાંકો લગાવીને પાણીમાં દવા નાખીને છંટકાવ કરવામાં આવ્યો છે. ગામની શેરીઓ અને ગલીઓમાં પણ સેનિટાઈઝર છાંટવામાં આવ્યું છે. મંદિર સહિતના જાહેર સ્થળોએ અને દિવાલો પર નોટિસ લગાવી દેવામાં આવી છે. જેથી ગામના અને બહાર ગામના લોકોને પણ કોરોનાની ગંભીરતા સમજાય અને નિયમોનું પાલન કરવાની સાથે સાથે ગામમાં વધેલા ખતરાને લઈને બહારથી આવતા લોકો પણ સચેત થઈ શકે. સાથે મંદિરમાં ભાવિકો માટે દર્શન પણ બંધ કરી દેવામાં આવ્યાની નોટિસ લગાવવામાં આવી છે.

કોરોનાથી એક વૃદ્ધનું મોત, પટેલ ફળીયામાં જ 35થી વધુ કેસ

ગઇકાલે ગામમાં કોરોનાથી વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે ગામનાં પટેલ ફળીયામાં જ 35થી વધુ કેસ સામે આવ્યા છે. જેને પગલે ગ્રામ પંચાયત દ્વારા ખાનપુર ગામને સેવયંભૂ લોકડાઉન કરાયું છે. આ સાથે પટેલ ફળીયામાં અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. ગામમાં 31 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *