
નગરપાલિકા ચૂંટણી પરિણામો
રાજ્યમાં પ્રથમ વખત ૨૭ ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૬૬ નગરપાલિકાની સામાન્ય ૨ નગરપાલિકાની મધ્યવર્તી તથા જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીનું મતગણતરી ચાલી રહી છે. આ ચૂંટણીમાં પણ ભાજપ જીત તરફ ચાલી રહ્યો છે. જ્યારે બે મોટા અપસેટ થયા છે. જેમાં ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર-૩ માં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડસમાનો પરાજય થયો છે. જ્યારે જુનાગઢ મનપાની ચૂંટણીમાં ૬ વાર ડે.મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે.
૬૬ નગરપાલિકામાં ૬૧.૬૫ ટકા મતદાન થયું છે. જે ૨૦૧૮ની સરખામણીમાં ૩.૩૫ ટકા ઓછું છે. એકંદરે વર્ષ ૨૦૧૮ માં ૭૫ નગપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ૬૫ ટકા મતદાન થયું હતું. નગરપાલિકાની ૧૮૪૪ બેઠકમાંથી ૧૬૭ બેઠક બિન હરીફ થતા ૬૬ પાલિકાઓની ૧૬૭૭ બેઠક માટે ૪૩૭૪ ઉમેદવારો માટે મતદાન થયું હતું. ૬૬ પાલિકાની ૧૬૭ બિન હરિફમાંથી ભાજપની ૧૬૨, કોંગ્રેસની ૧ અને અન્ય ૪ સીટ બિન હરીફ થઈ છે.
આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા કુતિયાણા નગરપાલિકાને લઈ કાંધલ જાડેજાની તથા જેતપુર નગરપાલિકાને લઈ જયેશ રાદડિયાની રહી છે. આમ તેમના રાજકીય વર્ચસ્વની પણ પરીક્ષા છે.