અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં પ્રથમવાર પ્રસાદને લઈ બોર્ડ લાગ્યા, પવિત્રતાને લઈ નિર્ણય કરાયાનો દાવો

ભદ્રકાળી મંદિર
ભદ્રકાળી મંદિર

અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં પ્રથમવાર પ્રસાદને લઈ બોર્ડ લાગ્યા, પવિત્રતાને લઈ નિર્ણય કરાયાનો દાવો

ટૂંકા વસ્ત્રો પહેરીને ન આવવું તે પ્રકારના અનેક મંદિરોમાં બોર્ડ લાગેલા જોવા મળે છે. હવે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં પ્રથમવાર પ્રસાદને લઈ પણ બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેમાં ભક્તોને અપીલ કરતા લખવામાં આવ્યું છે કે, સનાતન ધર્મના લોકો દ્વારા જે પ્રસાદ બનાવવામાં આવ્યો હોય તે જ અહીં લાવવામાં આવે. ઉત્તર પ્રદેશમાં કાવડયાત્રાની ઘટના બાદ ટ્રસ્ટે આ નિર્ણય કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પ્રસાદી ખરીદીને લાવતા પ્રવિત્રતા જળવાતી નથી
શ્રી રામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટના ચેરમેન શશીકાંત તિવારીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નગરદેવી ભદ્રકાળી માતાજીને પ્રસાદ ધરાવવા માટે લોકો પ્રસાદી લઈને આવતા હોય છે. જે પ્રસાદી અન્ય ધર્મના લોકોની દુકાનેથી ખરીદીને લાવતા હોય છે એવી બાબત સામે આવી છે. અન્ય ધર્મના લોકોની દુકાનેથી પ્રસાદી ખરીદીને લાવતા હોય છે ત્યારે પ્રવિત્રતા જળવાતી નથી. ઉત્તર પ્રદેશમાં કાવડયાત્રા દરમિયાન જોયું હતું કે, કેટલાક અન્ય ધર્મના લોકો જે વસ્તુ આપતા હતા તેમાં કહી ન શકાય તેવી વસ્તુઓ નાખતા હતા. જેથી અહીંયા પણ લોકો જે પ્રસાદી લાવે છે તેમાં કેવી પ્રસાદી હોય તેમાં શુદ્ધતા અને સાત્વિકતા જળવાય છે કે કેમ તે ખબર નથી હોતી.

શુદ્ધ અને સાત્વિક મીઠાઈ મળે ત્યાંથી પ્રસાદી લાવવી
વધુમાં તેઓએ કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ જોયું છે કે, અન્ય પ્રકારનો માવો, ઘી સહિતની વસ્તુઓમાં અશુદ્ધિ કરતા હોય છે. ખરાબ વસ્તુઓ આપતા હતા જેના કારણે આ બધું સનાતન ધર્મમાં ચાલતું નથી. જેના કારણે અમે મંદિરની બહાર બોર્ડ લગાવ્યું છે. માતાજીને જે મીઠાઈ કે પ્રસાદી લાવવામાં આવે તે શુદ્ધ અને સાત્વિક મીઠાઈ મળે ત્યાંથી લાવવી તેવી જાણ કરતું બોર્ડ લગાવવામાં આવ્યું છે.

પ્રસાદીમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની શંકા
અમદાવાદ શહેરના નગરદેવી ગણાતા એવા ભદ્રકાળી મંદિર પરિસરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા એક બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેમાં પ્રસાદી જે લાવવામાં આવે છે તે સનાધન ધર્મના લોકો દ્વારા બનાવવામાં આવેલી હોવી જોઇએ. અન્ય ધર્મના લોકો દ્વારા પ્રસાદીમાં કોઇપણ ભેળસેળ કરવામાં આવતી હોવા અંગેની શંકા વ્યક્ત કરી અને મંદિર પ્રશાસન દ્વારા માતાજીને જે પ્રસાદી ધરાવવામાં આવે છે તે પ્રસાદી શુદ્ધ, સાત્વિક અને સનાતન ધર્મના લોકો દ્વારા એટલે કે, હિન્દુ ધર્મના લોકો દ્વારા બનાવવામાં આવી હોય તેવી ધરાવવામાં આવે.

614 વર્ષ પછી નગરદેવી ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે
અમદાવાદ શહેરનાં નગરદેવી વિશ્વ વિખ્યાત માતા ભદ્રકાળીની 614 વર્ષ પછી નગરયાત્રા નિકળશે. 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે. રથમાં માતાજીની પાદુકા મૂકવામાં આવશે. અખાડા, ટેબલો, ઊંટ-હાથી, ભજન મંડળી વગેરે યાત્રાને શોભાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો નગરયાત્રાનું પ્રસ્થાન કરાવી શકે છે.

ઈતિહાસકારોના મતે મંદિર મરાઠાકાળમાં બન્યુ જ્યારે સરકારી ગેઝેટિયરમાં 1411નો ઉલ્લેખ

ભદ્રકાળી મંદિરના ઈતિહાસને લઈ જુદાજુદા મતો છે. ગેઝેટિયર બોમ્બે પ્રેસિડન્સી, 1879 (પાના નં- 275) માં 1411માં સુલ્તાન અહેમદના સમયે મંદિરની હયાતી હતી.
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયર, 1984 (પાના નં- 901) માં વર્ષ 1411નો ઉલ્લેખ છે, આઝમ ખાનના પેલેસના ઉત્તરે એક રૂમમાં મંદિર હતું.
ભદ્રકાળી મંદિર ટ્રસ્ટની વેબસાઈટ પર 11મી સદીમાં ગુજરાતના સ્થાપક રાજા કર્ણદેવે સ્થાપના કર્યાનું દર્શાવ્યું છે.
જાણીતા પુરાતત્તવવિદ અને ઈતિહાસકાર ડૉ રીઝવાન કાદરી, ડૉ માણેક પટેલ અને મુનેન્દ્ર જોષીના મતે ભદ્ર કિલ્લો અને ભદ્ર મંદિર બંનેનો ઈતિહાસ જુદો છે. મરાઠા શાસનમાં બન્યું હોવાનું તેમનું માનવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *