
બજેટ 2025 / ગુજરાત સરકારનું વિકાસલક્ષી બજેટ, ચાલુ વર્ષે 12 ટકાના વધારા સાથે 3.75 લાખ કરોડ રહેવાની ધારણા
બજેટ 2025 / રાજ્ય સરકારને GST, VAT અને સ્ટેટ ટેક્સની વિક્રમી આવક થઇ હોવાથી બજેટનું કદ 12 ટકા સુધી વધવાની શક્યતા
ગુજરાતના 2025-26ના નાણાકીય વર્ષના સામાન્ય અંદાજપત્રનું કદ 3.75 લાખ કરોડ રૂપિયા થવાની ધારણા છે. નાણાં વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીએસટી, વેટ અને રાજ્યના વેરાઓની વિક્રમી આવક થઈ શકે છે. ત્યારે આ વર્ષે બજેટના કદમાં 10 થી 12 ટકાનો વધારો થઇ શકે છે.
બજેટ 2025 / કુલ 27 બેઠકો અને બજેટ તૈયાર..!
રાજ્યનું અંદાજપત્ર સત્ર 19મી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહ્યું છે જે 28મી માર્ચના રોજ સમાપ્ત થશે. સચિવાલયના વિભાગોના અધિકારીઓ અત્યારે બજેટની કામગીરીમાં સતત બેઠકો કરી રહ્યાં છે. વિભાગોના વડા નવી યોજનાઓ, નવી દરખાસ્ત અને નાણાકીય જોગવાઇઓની પૂર્તતા કરવા નાણા વિભાગના સંપર્કમાં છે. આ સત્રમાં કુલ 27 બેઠકો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ગત વર્ષની સરખામણીએ 12 ટકાનો વધારો થવાની સંભાવના
બજેટ 2025 / 2024-25ના વર્ષ માટે જ્યારે બજેટની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે નાણામંત્રી કનુભાઇ દેસાઇએ બજેટનું કદ 3.32 લાખ રૂપિયા રાખ્યું હતું, જેમાં પાછલા વર્ષની સરખામણીએ 11 ટકાનો વધારો હતો. આ વખતે 12 ટકાનો વધારો થવાની સંભાવના છે. આગામી વર્ષ માટે નવા કરવેરા કે કર રાહત અંગે નાણાં વિભાગે હજી સુધી કોઇ અંદાજ બાંધ્યો નથી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પછી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. સત્રના પ્રારંભે 19મી ફેબ્રુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સભાગૃહને સંબોધન કરશે. ત્યારબાદ બીજા દિવસે નાણામંત્રી બજેટની રજૂઆત કરશે. આ સત્રમાં બજેટ ઉપરાંત ડઝનબંધ સરકારી અને બિન સરકારી વિધેયકો રજૂ થવા જઇ રહ્યાં છે. એ ઉપરાંત ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) ના પાછલા વર્ષના રિપોર્ટ પણ વિધાનસભામાં જાહેર કરાશે.
આવકમાં પણ વધારો થયો ?
બજેટ 2025 / ઉપરાંત વેટની આવક 8197 કરોડ, ઇલેક્ટ્રિસિટી ડ્યુટી 2912 કરોડ અને પ્રોફેશનલ ટેક્સની આવક 64 કરોડ રૂપિયા છે. ત્રીજા ક્વાર્ટરમાં કુલ રેવન્યૂ કલેક્શન 29617 કરોડ રૂપિયા થયું છે. રાજ્ય સરકારે બજેટના અંદાજ રજૂ કર્યા ત્યારે રાજ્ય જીએસટીની આવક 22.65 ટકા અને સ્ટેટ ટેક્સની આવક 22.59 ટકા અંદાજી હતી. એ ઉપરાંત 12.81 ટકા કેન્દ્રીય કરવેરામાં હિસ્સો, 5.98 ટકા કરવેરા સિવાયની આવક, 5.70 ટકા કેન્દ્ર સરકાર તરફથી સહાયક અનુદાન, 5.40 ટકા લોન અને પેશગીની વસૂલાત અને 1.34 ટકા જાહેર હિસાબની ગણતરી કરી હતી. સૌથી મોટો 23.53 ટકા હિસ્સો જાહેર દેવાંનો છે. સરકારને સૌથી વધુ ટેક્સ જીએસટી અને વેટ તરફથી મળે છે.
2024-25માં પાંચ સ્તંભ નક્કી કરાયા હતા
2024-25ના વર્ષના બજેટમાં નાણામંત્રીએ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ કુલ પાંચ સ્તંભ આધારિત બજેટ રજૂ કર્યું હતું, જેના પાયામાં વિકસિત ભારત એટ 2047નો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. સરકારે એવો દાવો કર્યો હતો કે આર્થિક વિકાસના કારણે રાજ્યમાં 2000-1માં પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક 18392 રૂપિયા હતી તે વધીને 2022-23માં 273558 રૂપિયા થઇ છે. ગુજરાતના નાગરિકોની સરેરાશ વાર્ષિક આવક રાષ્ટ્રીય આવક કરતાં 50 ટકા વધારે છે.
અગાઉના પાંચ અંદાજપત્રનું કદ (કરોડમાં) :
2020-21 = 2,17,287
2021-22 = 2,27,029
2022-23 = 2,43,965
2023-24 = 3,01,022
2024-25 = 3,32,465