
અમદાવાદ :
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના વધુ ચાર તળાવનો વિકાસ કરવા માટે આ તળાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ અમદાવાદ મહાપાલિકાને જે ચાર તળાવ સિટી બ્યૂટિફિકેશન માટે વિનામૂલ્યે સોંપવાનો જનહિત નિર્ણય કર્યો છે તેમાં અમદાવાદના ઘાટલોડીયા તાલુકાના ચેનપુરના સર્વે નં. ૧૩૪ની ટી.પી. ૬૬, એફ.પી. ૨૦૮, ૨૧૩, ૨૨૩, ૨૨૪ પર આવેલ ૧૪,૬૯૪ ચો.મી. ક્ષેત્રફળનું ગામ તળાવ, અસારવાના મુઠીયા ગામના બ્લોક નં. ૦૧માં આવેલ ૪૧,૨૭૮ ચો.મી.નું તળાવ, અસારવાના નરોડાના સર્વે નં. ૪૯૩/અ ટી.પી. ૧, એફ.પી. ૪પ૯માં આવેલ ૧,૩૧,૦૮૭ ચો.મી.નું ગામ તળાવ અને વટવાના વિંઝોલ ખાતે સર્વે નં.૩૬૩ ટી.પી. ૯૦, એફ.પી. ૮માં આવેલ ૮૧,૨૪૧ ચો.મી.નું તળાવના વિકાસ માટે અમદાવાદ મહાપાલિકાને ફાળવવા સૂચના આપી છે.
મહાનગરપાલિકા સિટી બ્યૂટીફિકેશન અંતર્ગત આ તળાવોને કાયમી ધોરણે હરવા-ફરવા તેમજ પ્રવાસન-પિકનીકના પર્યાવરણપ્રિય સ્પોટ તરીકે સુંદરતાથી વિકસાવશે.
મુખ્યમંત્રીએ મહાનગરોમાં રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરનો જે અભિગમ અપનાવવા આહવાન કરેલું છે આ તળાવોમાં આવું રિસાયકલ્ડ વોટર ભરીને મહાપાલિકા મુખ્યમંત્રીના આહવાન ને સાકાર કરી શકશે.
એટલું જ નહિ, અમદાવાદ મહાનગરનું સ્યુએજ વોટર-વપરાયેલું ગંદુ પાણી એસ.ટી.પી દ્વારા શુદ્ધ કરીને આ તળાવોમાં નાખવામાં આવતાં આ તળાવો બારેય માસ ભરેલા રહેશે તેમજ આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે
આ તળાવોની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા તેમજ પ્રવાસન-પિકનીક માટેના પર્યાવરણપ્રિય સ્પોટનું નવતર નજરાણું ઘર આંગણે મળશે.
મુખ્યમંત્રીએ આ અગાઉ માર્ચ-ર૦ર૦માં ૪ તળાવો, જૂન અને જુલાઇ મહિનામાં ૧-૧ તળાવ અને ઓગસ્ટમાં પાંચ એમ કુલ ૧૧ તળાવો અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે સોંપેલા છે
હવે આ વધુ ૦૪ તળાવો પણ અમદાવાદ મહાનગર પાલિકાને સોંપવાના નિર્ણય સાથે કુલ ૧૫ તળાવોના બ્યૂટિફિકેશન અને વિકાસથી અમદાવાદ શહેરની સુંદરતામાં ચાર ચાંદ લાગશે.