ક્રેટાએ 3 યુવકને ફૂટબોલની માફક ઉલાળ્યાં, CCTV

ક્રેટાએ 3 યુવકને ફૂટબોલની માફક ઉલાળ્યાં, CCTV:ભુજના કોડકી રોડ પર ધસમસતી કારે બાઇકને અડફેટે લીધું, અકસ્માતમાં 2ના મોત, એક સારવાર હેઠળ

ભુજ શહેરના કોડકી રોડ ઉપર આજે શનિવારે (28 ડિસેમ્બર) બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બીએસએફ કેમ્પ પાસેના ચાર રસ્તા પર રોડ ક્રોસ કરતાં બાઇક સવાર ત્રણ યુવકોને ત્રિ-મંદિર બાજુથી પૂરપાટ આવતી કારે જોરદાર ટક્કર મારી હતી.CCTV કારની ટક્કર બાદ બાઈક પર સવાર ત્રણેય યુવકો હવામાં ફૂટબોલની માફક ફૂદરડી ફરીને 20 ફૂટે દૂર રોડ પર પટકાયા હતા. જેમાં એકનું ઘટનાસ્થળે અને અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ યુવકની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

સીસીટીવી CCTV માં શું દેખાય છે?

ભુજના કોડકી રોડ પર રોજિંદી વાહનવ્યવહાર ચાલી રહ્યો છે. દરમિયાન એક બાઈક પર 3 યુવક વળાંક લઈ રહ્યા છે. દરમિયાન રોડ પર ઘસમસતી પાણીનાં રેલા માફક આવતી કાર બાઈક ટર્ન લઈને રોડ અડધે પહોંચે છે, ત્યાં જ અકસ્માત સર્જાય છે અને બાઈકને ટક્કર મારે છે. આ અકસ્માત સમયે યુવકો બાઈક પર વળ્યાં તેની સામે જ એક રિક્ષાવાળો પણ રોડ ક્રોસ કરવાનો હતો, પરંતુ તે રોકાઈ જાય છે. દરમિયાન કારની અડફેટે બાઈક ચડતાં ત્રણેય હવામાં ફૂટબોલની માફક ઉછળે છે અને રોડ પર પટકાય છે.

રોડ પર પટકાતા ત્રણેયને ગંભીર ઈજા પહોંચી

કારની ટક્કર લાગતાં ત્રણેય યુવકો ફૂટબોલની જેમ બાઇક ઉપરથી હવામાં ફંગોળાઈ ગયા હતા અને જમીન પર પટકાતા ગંભીર પ્રકારની ઇજાઓ પામ્યા હતા. ઘાયલ યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં એક યુવક બાદ અન્ય યુવકનું મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. જ્યારે એક યુવકને પગના ભાગે અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચતા તેની સારવાર ચાલી રહી છે. ભુજના આશાસ્પદ યુવકોના અકસ્માતથી શહેરમાં શોકની લાગણી ફેલાઇ છે.

A ડિવિઝન પોલીસે જાણવા જોગ નોંધ કરી

આ અંગે ભુજ એ ડિવિઝન પોલીસથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ યુવકો પૈકી ભુજના કેમ્પ એરિયામાં રહેતા 27 વર્ષીય નરેશ ભીમજી ચારણ અને જેસ્ટાનગરમાં રહેતા 37 વર્ષીય આમદ હાસમ સમાંનું સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જ્યારે સાથેના અન્ય એક યુવકની સારવાર ચાલી રહી છે. અલબત્ત સ્થાનિકેથી પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માત બાદ કારચાલક ઘાયલોની સારવાર માટે ઉતર્યા બાદ સ્થળ પરથી નાસી ગયો છે. પોલીસે હાલ જાણવા જોગ નોંધ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *