મુંબઈના દરિયામાં બોટ ડૂબી 13 મોત

મુંબઈના દરિયામાં બોટ ડૂબી 13 મોત

મહાનગર મુંબઇમાં બુધવારે ખતરનાક દરિયાઇ દુર્ઘટના સર્જાઇ હતી. ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા તરફ જઇ રહેલી નીલકમલ બોટ મધદરિયે ડૂબી જતાં 13 લોકોનાં મોત થયાં હતાં. આ કરુણ દુર્ઘટના આજે સાંજે ચારેક વાગ્યાના અરસામાં સર્જાઇ હતી. કુલ્લ 80 યાત્રીની ક્ષમતાવાળી બોટમાં 100થી વધુ પ્રવાસી સવાર હતા. 99 યાત્રીને બચાવી લેવાયા હતા. 

મુંબઇથી એલિફન્ટાની ગુફાઓ તરફ જતી વખતે અરબી સમુદ્રમાં બુચર ટાપુની નજીક નૌકાદળની પેટ્રોલિંગ સ્પીડ બોટે જોરદાર ટક્કર મારતાં નીલકમલ બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું અને બોટ ડૂબી ગઇ હતી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાત્રે 8 અને 25 મિનિટે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, જીવ ખોનારામાં ત્રણ નૌકાદળના કર્મચારી છે. બચાવી લેવાયેલા લોકો પણ ઘાયલ થયા હોવાથી વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરાયા હતા.

રાજ્ય સરકારે પ્રત્યેક મૃતકના પરિવારોને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. ઘટનાની જાણ થતાં જ કોસ્ટગાર્ડ, નૌકાદળ, મરીન પોલીસ, યલો-ગેટ પોલીસ સ્ટેશન અને કોલાબા બીટ ચોકી-1 દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 11 નેવી બોટ્સ, 3 મરીન પોલીસ બોટ્સ અને કોસ્ટગાર્ડનું જહાજ રેસ્ક્યૂ ઓપરેશનમાં કામે લાગ્યા હતા અને ગુમ થયેલા પ્રવાસીઓની શોધ ચલાવવામાં આવી રહી છે. ચાર હેલિકોપ્ટર્સને પણ લોકોને ઉગારવા માટે ઓપરેશનમાં સામેલ કરાયાં હતાં. ઉગારવામાં આવેલા આશરે 99 પ્રવાસીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું ત્યારે સાંજ વીતવા લાગી હોવાથી અને અંધારું થઇ રહ્યું હોવાથી મધદરિયે ગુમ થયેલા પ્રવાસીઓની ભાળ મેળવવી મુશ્કેલ સાબિત થઇ શકે તેવી ભીતિ સેવવામાં આવી રહી હતી. નેવી અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ માટે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન રાતનાં કારણે કઠણાઇભર્યું રહે તેવી શક્યતા પણ સેવવામાં આવી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *