હરિયાણામાં હેટ્રિકની દિલ્હીમાં ઉજવણી, PM મોદી-જે.પી. નડ્ડા પહોંચ્યા ભાજપ કાર્યાલય

હરિયાણામાં ભાજપે અનેક પડકારોનો સામનો કરી મોટી જીત હાંસલ કરી છે. હરિયાણાના ચૂંટણી પરિણામે સૌને ચોંકાવી દીધા છે. સતત ત્રીજી વખત જીત મળતાં ભાજપના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરી હરિયાણાના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત તેઓ દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય પહોંચી ભાજપના કાર્યકરોને સંબોધિત કરવા માટે પહોંચ્યા છે.

દિલ્હી મુખ્યાલયથી જનતા-કાર્યકરોને સંબોધશે

હરિયાણામાં સતત ત્રીજીવાર જીત હાંસલ થતાં વડાપ્રધાન મોદી રાત્રે 8 વાગ્યે દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલય પહોંચ્યા. આ દરમિયાન તેમણે કાર્યકર્તાઓનું અભિવાદન જીલ્યું હતું અને તેમનો આભાર વ્યક્ત કર્યો. હરિયાણા તેમજ જમ્મુ કાશ્મીરની જનતા અને કાર્યકરોને તેઓ સંબોધશે અને તેમનો આભાર વ્યક્ત કરશે. આ દરમિયાન વડાપ્રધાન ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા છે.

પીએમ મોદીએ ટ્વિટ કરી

પીએમ મોદીએ એક્સ પર ટ્વિટ કરી લખ્યું કે, હરિયાણાનો હૃદયથી આભાર! ભારતીય જનતા પાર્ટીને ફરી એક વાર સ્પષ્ટ બહુમત આપવા માટે હું હરિયાણાની જનશક્તિને નમન કરૂં છું. આ વિકાસ અને સુશાસનના રાજકારણની જીત છે. હું રાજ્યના તમામ લોકોને ખાતરી આપું છું કે ભાજપ તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઇ કચાશ રાખશે નહીં.

કાર્યકરોને અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન મોદીએ કાર્યકરોને અભિનંદન પાઠવતા કહ્યું કે, ‘આ મહાવિજય માટે અથાક પરિશ્રમ અને પૂર્ણ સમર્પિત ભાવ સાથે કામ કરનારા અમારા તમામ કાર્યકર મિત્રોને મારી તરફથી ખૂબ-ખૂબ અભિનંદન! તમે ન માત્ર રાજ્યની જનતા-જનાર્દનની સેવા કરી છે, પરંતુ વિકાસના અમારા એજન્ડાને પણ તેમના સુધી પહોંચાડ્યું છે. આ કારણસર ભાજપને હરિયાણામાં આ ઐતિહાસિક જીત હાંસલ થઇ છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *