કોન્ટ્રાકટરની ઘોર બેદરકારી…માટી ધસી પડતાં ચાર BSNL કર્મીઓ દબાયા

સુરત : કામરેજ નજીક ગટરલાઇનનું કામ ચાલતું હોય ત્યાં કપાયેલા વાયરો કાઢવા માટે કામ કરી રહેલા BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ)ના અધિકારી સહિત ચાર જણા માટી ધસી જવાથી દબાઈ ગયા હતા. આ ઘટના 8મી માર્ચના રોજ બની હતી. જે શુક્રવારના રોજ પ્રકાશમાં આવતા કામરેજ પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગટરલાઇનનું કામ કરી રહેલા કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાનું બહાર આવ્યું છે.

કામરેજ નજીક કામરેજ ચાર રસ્તાથી કામરેજ ગામ તરફ જતાં રોડ પર હાલ ગટરલાઇનની કામગીરી ચાલી રહી છે. રોડના કિનારે ગટરલાઇન માટે ખોદકામ કરવાથી BSNLના લેન્ડલાઇન ફોનના કેબલ ગટરના પાઇપ નજીકથી પસાર થતાં હોય તે કપાય ન જાય તે માટે કામરેજ BSNL ઓફિસના જુનિયર ટેલિકોમ ઓફિસર ધનવંત વસાવા કોન્ટ્રાકટરના માણસો સાથે સ્થળ પહોંચ્યા હતા અને કેબલ બચાવવા માટેની કામગીરી હાથ ધરી હતી. મજૂરો જીતેન્દ્ર ગામિત, દિલિપ વસાવા અને કમલેશ વસાવા ગટરલાઇનના ખાડામાં ઉતરી સમારકામ કરી રહ્યા હતા તે સમય વાયર નહીં ખેંચી શકાતા અધિકારી ધનવંત વસાવા પણ તેમની મદદ માટે નીચે ખાડામાં ઉતર્યા હતા. તેઓ કામ કરી રહ્યા હતા તે સમયે રોડ પરથી કોઈ ભારે વાહન પસાર થવાથી ગટરલાઇનના કોન્ટ્રાકટર દ્વારા રોડ પર નાખવામાં આવેલી માટી ધસી પડતાં ચારેય જણા દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો તેમજ BSNLનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ધનવંત વસાવા, દિલિપ વસાવા અને કમલેશ વસાવાને હાથ અને પગમાં ઇજા થતાં સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. જ્યારે જીતેન્દ્ર ગામિતને વધુ ઇજા હોય સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ આજે આ સમગ્ર પ્રકરણની ખબર પડતાં જ કામરેજ પોલીસ દોડતી થઈ હતી.

ચારેય જણા માટીમાં દબાય જતાં બૂમાબૂમ કરી હતી પરંતુ રોડ પરના ટ્રાફિકને કારણે કોઈ સાંભળી શક્યું ન હતું. દરમ્યાન ધનવંત વસાવાનો કમરથી ઉપરનો ભાગ બહારની તરફ હોય શર્ટના ખિસ્સામાંથી મોબાઇલ ફોન કાઢી સ્ટાફને જાણ કરી હતી. સ્ટાફ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *