
વડોદરા :
વડોદરામાં સામૂહિક આપઘાતના ચકચારભર્યા પ્રકરણમાં સોની પરિવારને આર્થિક ભીંસમાં મુકવા માટે કારણભૂત બનેલા જ્યોતિષીઓ સામે ગુનો નોંધાયા બાદ પોલીસે રાજસ્થાન ખાતેથી બે જ્યોતિષીઓને ઝડપી પાડયા છે.
સમાની સ્વાતિ સોસાયટી માં રહેતા નરેન્દ્રભાઈ સોની એ પરિવારના અન્ય પાંચ સદસ્યો ની સાથે કોલ્ડ્રિંક્સ માં ઝેરી દવા મેળવી સામૂહિક આપઘાત કરતા કુલ છ સદસ્યો પૈકી નરેન્દ્ર ભાઈ, તેમના પત્ની, પુત્ર ભાવિન, પુત્રી રિયા અને પૌત્ર પાર્થ સહિત પાંચના મોત નિપજ્યા હતા.
સોની પરિવારે કરેલા આપઘાતનું કારણ આર્થિક સંકળામણ હોવાનું બહાર આવ્યું હતું. આ પરિવાર પર મકાન વેચવા ના ચક્કરમાં લોનનો બોજ હતો. જુદાજુદા 9 જ્યોતિષીઓએ સોની પરિવારને તંત્ર મંત્ર અને વિધિઓમાં ફસાવી રૂ 33 લાખ પડાવી લીધા હતા. જેથી જ્યોતિષીઓ ની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસની ત્રણ ટીમો જ્યોતિષીઓની શોધખોળ ચલાવી રહી છે ત્યારે તમામ જ્યોતિષીઓ ફરાર થઈ ગયા હોવાની તેમજ પાંચ જ્યોતિષીઓએ આગોતરા જામીન માંગ્યા હોવાની વિગતો બહાર આવી છે.
દરમિયાનમાં રાજસ્થાન ગયેલી સમા પોલીસની ટીમે નાગોર ખાતેથી બે સીતારામ ભાર્ગવ અને ગજેન્દ્ર ભાર્ગવ નામના જ્યોતિષીઓને ઝડપી પાડયા છે. આ બંને જ્યોતિષીઓએ નરેન્દ્ર ભાઈ પાસે કુલ રૂ.7.50 લાખ પડાવ્યા હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે તેમની કોરોના ટેસ્ટ કરવાની તજવીજ કરી છે.