CRIME KUTCH સૂકું રણ લોહિયાળ બન્યું, અંધાધૂંધ ફાયરિંગમાં એકનું મોત, ત્રણ લોહીલુહાણ

CRIME KUTCH : કચ્છના રણમાં મીઠું પકવવાની જમીન કબજે લેવા બાબતે ગોળીબાર થયો હતો. ફોર્ચ્યુનર, બોલેરો સહિત 5 ગાંડીઓ ભરીને આવેલા એક જૂથે સામે તરફ ઊભા અન્ય એક જૂથ પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગતા ઘટનાસ્થળે જ ઢળી પડ્યો, જ્યારે અન્ય ત્રણને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોળી માર્યા બાદ હોસ્પિટલમાં લઈ જવાતા ઈજાગ્રસ્તને ગાડીથી કચડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધડાધડ ફાયરિંગના દૃશ્યોએ ફિલ્મ રામલીલાની યાદ અપાઈ દીધી હતી. આ ઘટના બાદ સમગ્ર કચ્છ જિલ્લામાં ખોફનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે પોલીસે પણ ફરિયાદ અને વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

CRIME KUTCH : રણમાં મીઠાની જમીન કબજે લેવા મામલે બે જૂથ આમને-સામને

કચ્છના રણમાં અસંખ્ય એકરોમાં મીઠાનું ઉત્પાદન પ્રતિવર્ષ વધી રહ્યું છે. રણની સૂકી ધરા નમક ઉત્પાદકો માટે ફળદ્રુપ સાબિત થાય છે. જેને લઈ રણમાં આવેલા અભયારણ્ય વિસ્તારમાં પણ નમક એકમોનો પગપેસારો જગજાહેર છે, અને તે વિશેની ફરિયાદો સમયાંતરે ઊઠતી રહે છે. આ વચ્ચે રણમાં મીઠા માટે જમીન કબજે લેવા મામલે ગત સોમવારે બે જૂથ આમને-સામને આવી જતાં એક જૂથે બીજા જૂથ ઉપર બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું. જેમાં 4 લોકો ઘાયલ થયા હતા, તે પૈકી દિનેશ કોલીને માથાના ભાગે ગોળી વાગતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ તેનું આજે સવારે મોત થયું છે. હવે સામખિયાળી પોલીસ દફ્તરે 17 જેટલા આરોપીઓ સામે નોંધાયેલી હત્યાના પ્રયાસ સહિતની કલમો તળેની ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો થઈ શકે છે. બીજી તરફ બનાવના આરોપીઓ હજુ ફરાર છે.

CRIME KUTCH : હિંસક ધીંગાણામાં આરોપીઓએ હત્યાનો પ્રયાસ કર્યો

ભચાઉના શિકારપુર નજીક રણમાં જ્યાં ઘુડખર અભ્યારણ વિસ્તારમાં આવેલા છે, તે વિસ્તારમાં મીઠાના જૂના કારખાના પર કબજો જમાવવા બાબતે હિંસક ધીંગાણામાં ત્રણ લોકો પર આરોપીઓએ બોલેરો ગાડી ચડાવી હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધાયું હતું.

CRIME KUTCH : બંદૂક, ધારિયા અને ધોકા સહિતનાં હથિયારો સાથે લાવ્યાં હતાં

આ મામલે કાનમેરના ફરિયાદી મગનભાઈ સુજાભાઈ ગોહિલે સામખિયાળી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ સોમવારે બપોરે ફરિયાદી સહિત 11 લોકો શિકારપુર નજીકના રણમાં આવેલા મીઠાના જૂના કારખાના પર ગયા હતા. દરમિયાન સાંજે 4.30ના આરસામાં આરોપી ભરત દેવા ભરવાડ, ભરત રવા વાઘેલા, સબરા પાલા વાઘેલા, દેવા કરશન ડોડિયા, ઈશ્વર રજપૂત, શક્તિ ડાયા ડોડિયા, બળદેવ ગેલા રજપૂત, રાયપણ ઉસેટિયા, વિજય રાયધણ ઉસેટિયા, કાજા અમરા રબારી, વિરમ રબારી, સતીષ કલા ભરવાડ, લખમણ દેવા ભરવાડ, અજા ટપુ ભરવાડ, રૂપા ટપુ ભરવાડ, થાવર આંબા રબારી અને સવા રતના રબારી બોલેરો અને કાર લઈને આવ્યા હતા. બંદૂક, ધારિયા અને ધોકા સહિતનાં હથિયારો પણ સાથે લાવ્યાં હતાં. આરોપીઓએ મીઠાના જૂના કારખાનાવાળી જગ્યા ખાલી કરી દેવાનું કહી ધમકી આપી હતી. જે બાદ ત્રણ આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. જેમાં ફરિયાદી સાથે આવેલ દિનેશ કોલીને માથાના ભાગે, મુકેશ બેચરા અને રમેશ હઠા ભરવાડને પગના ભાગે તેમજ વલીમામદને નાકના ભાગે ગોળી લાગતા ઈજાઓ પહોંચી હતી.

CRIME KUTCH : સારવાર દરમિયાન એકનું મોત

દિનેશને માથામાં ગોળી વાગતા આરોપીઓ એક સમયે પોતાની ગાડીઓ તરફ ગયા હતા. એ દરમિયાન દિનેશને સારવાર માટે બાઈક પર લઈ જવા રણ માર્ગે રવાના થતા આરોપીઓએ બોલેરો ગાડી બાઈક પર ચડાવી હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હતો. હિંસક ધીંગાણામાં ઘાયલ થયેલા ચાર લોકોને સામખિયાળી અને ગંભીર ઈજા પામેલ એકને રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. આ મામલે સામખિયાળી પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો, જેમાં હવે ઘાયલ વ્યક્તિનું મૃત્યુ થતાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવી શકે છે.

શું કહ્યું પીએસઆઈએ?

મામલાની પ્રતિક્રિયા માટે સામખિયાળી પીએસઆઈ વી આર પટેલનો સંપર્ક સાધતા તેમણે ઘાયલ પૈકી એકના મૃત્યુની વાતને સમર્થન આપ્યું હતું. તેમજ જણાવ્યું કે, બનાવ હત્યાનો છે કે શું તે અંગે પીએમ રિપોર્ટ બાદ હકીકત કહી શકાય, હાલ તપાસ ચાલુ છે. તેમજ આરોપીઓની અટકાયત અંગે પ્રયાસો હાલ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *