
પંચાયતોની ચૂંટણીમાં સ્થાનિક મતદારોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો.કચ્છ,પંચમહાલ,આણંદ,વલસાડ,ભરૂચ સહિત અન્ય જિલ્લાના ગામડાઓમાં ચૂંટણી બહિષ્કાર કર્યો હતો જેના લીધે મતદાન દિવસે મતદાન કેન્દ્રો સૂમસામ બની રહ્યા હતાં.
ચૂંટણી બહિષ્કારને કારણે તંત્રમાં દોડધામ મચી હતી. મતદારોને મનાવવા ખૂબ પ્રયાસો કર્યા હતાં તેમ છતાંય મતદારો ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહ્યા હતાં. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલમાં 1100 મતદારો પૈકી એક પણ મતદારે મત આપ્યો ન હતો જેથી સ્થાનિક નેતાઓ ખુબ સમજાવટ કરી છતાંય એકેય મત પડયો ન હતો.
લગ્નપ્રસંગે વાંજિત્ર વગાડવાના મુદ્દે પોલીસે કાર્યવાહી કરતાં ચૂંટણી બહિષ્કાર કરાયો હતો. ભરૂચના વાલિયાના કેસર ગામમાં ય સ્થાનિકો મતદાનથી અળગા રહ્યા હતાં. આઝાદીના 73 વર્ષ પછી ય સ્થાનિકોને પ્રાથમિક સુવિધા મળી નથી.જીવના જોખમે નદી પાર કરીને જવુ પડે છે.
ચૂંટણીઓ આવે ત્યારે પુલનો વાયદો કરાય છે પણ જેસે થે જેવી સ્થિતી છે.મતદારોએ ચૂંટણી બહિષ્કાર કરવા નક્કી કર્યુ હતું.ભૂજના દેશલપુરમાં પણ મોઘા ભાવની જમીન એક ખાનગી ટ્રસ્ટને આપી દેવાતાં ગ્રામજનો રોષે ભરાયા હતાં.
સાંસદ વિનોદ ચાવડા સહિત ભાજપના નેતાઓ ખુબ સમજાવ્યા હતાં તેમ છતાંય મતદારોએ મતદાન કરવાનુ ટાળ્યુ હતું. છોટાઉદેપુરમાં બોડેલીના કુંડી ઉચાંકલમ ગામમાં બપોર સુધી એકેય મત પડયો ન હતો. જેથી તંત્ર દોડતુ થયુ હતું. ગ્રામ પંચાયતની માંગણી હજુ સ્વિકારાઇ નથી જેથી સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
આ ઉપરાંત ગીર સોમનાથના નાવદ્રા, આણંદના ડભાસી,સુરેન્દ્રનગરના સુડવેલ,અમરેલીના ખિજડીયા અને મહિસાગરના માલતલાવડીમાં ય ચૂંટણીનો બહિષ્કાર કરાયો હતો. સ્થાનિકોએ પંચાયતોની ચૂંટણીમાં લોક પ્રતિનિધી ચૂંટવાનુ માંડી વાળ્યુ હતું.