ગાંધીનગર GIDCમાં સ્ક્રેપનો વેપાર કરતા વેપારીનું તેના જ ડ્રાઈવરે અન્ય બે શખ્સો સાથે મળી અપહરણ કર્યું, વેપારી પાસેથી રોકડ અને દાગીનાની લૂંટ કરી ત્રણેય શખ્સો ફરાર

ગાંધીનગર જીઆઈડીસીમાં ભંગારનો ધંધો કરનાર એક શખ્સનો અપહરણ બાદ છુટકારો થયો છે. અપહરણકારો 1 લાખ રૂપિયાના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી છે.ગાંધીનગરના જીઆઇડીસી મા ભંગારનો ધંધો કરનાર યુવકનું ગઈકાલે ત્રણ શખ્સો સ્વીફટ કારમાં અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. ગાડીમાં અપહરણ કર્યા બાદ ગાંધીનગરના દહેગામ વિસ્તારમાં યુવકના હાથ હાથ પગ બાંધી મારમારીને ગળા પર છરો મુકી ૮૦ હજારની કિંમતની બે તોલા વજનની સોનાની ચેન, રોકડા 4000 તેમજ એટીએમમાંથી રૂપિયા 25,000 લૂંટી લીધા બાદ પકડાઈ જવાની બીકે ત્રણેય શખ્સો યુવકને ચિલોડા પાસે ઉતારી ફરાર થઈ ગયા હતા. ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ સેક્ટર 29 મસ્તાના ફ્લેટમાં રહેતા મોહમ્મદ ઇમરાન ઉર્ફે રાજા અહેમદ મનસૂરી સેક્ટર 28 જીઆઇડીસી પ્લોટ નંબર 300 માં રાજ સ્ક્રેપ ટ્રેડર્સ નામે લોખંડના ભંગારના લે વેચનો ધંધો ભાઈઓ સાથે મળીને કરે છે. આજથી દોઢેક વર્ષ અગાઉ પિતાની નાદુરસ્ત તબિયતના કારણે કપડવંજ તાલુકાના જમાલપુરના હાલ પેથાપુર માં રહેતાં મોઈન જમાલભાઈ શેખને ડ્રાઇવર તરીકે રાખ્યો હતો. ગઈકાલે 25 ફેબ્રુઆરીના રોજ બપોરે બારેક વાગ્યાના અરસામાં દુકાને ગયો હતો તે વખતે ડ્રાઇવર મોઈન શેખે ફોન કરીને રિપોર્ટ કરાવવા જવાનું હોવાથી સાથે આવવા જણાવ્યું હતું. બાદમાં ડ્રાઇવર સફેદ કલરની કાર લઈને ત્યાં આવી પહોંચતા રાજા કારમાં બેસી ગયો હતો. થોડેક આગળ જતા ડ્રાઇવર મોઈન શેખે મિત્ર ને ફોન કરવો હોવાનું કહી રાજાનો ફોન લઈ કાર કલ્પતરુ તરફના રસ્તા પર લઈ ગયો હતો. અને પ્રેસ સર્કલ પાસે કાર રોકી હતી. જ્યાં અગાઉથી રાહ જોઈને ઉભેલા મોઇનના બે મિત્રો વસીમ અને સમીર કારમાં આવીને બેસી ગયા હતા. જ્યાંથી દહેગામ તરફ જઈ ત્યાંના બજારમાંથી ધોકો અને રસી ખરીદી કારને દહેગામ તરફના કોઈ ગામડા તરફ લઈ ગયા હતા. અવાવરુ જગ્યાએ પહોંચી ત્રણેય અપહરણકારોએ રાજાને જણાવેલ કે, અમારે કોઈ ને ડરાવવો છે જેથી તારા હાથ-પગ બાંધીને અમે માર મારતા હોય તેઓ ફોટો પાડવાનો છે અને તારે તેની એક્ટિંગ કરવાની છે. ડ્રાઇવરની વાતોમાં આવી ગયેલ રાજાએ તૈયારી દર્શાવતા તેના હાથ પગ બાંધી દીધા હતા. બાદમાં સમીર અને વસીમેં રાજાને માર માર્યો હતો. અને પોતાના મિત્ર મોઇન શેખ ને કેમ હેરાન કરે છે તેમ કહી ધારદાર છરો ગળાના ભાગે મૂકી દીધો હતો. રાજા બુમો ના પાડે તે માટે અપહરણકારોએ તેના મોઢે રૂમાલ બાંધી તેના ખિસ્સામાંથી ચાર હજાર રોકડા તેમજ ૮૦ હજારની કિંમતની બે તોલાની સોનાની ચેન ઝુંટવી લીધી હતી. તેમજ રાજા પાસેથી મળી આવેલ એટીએમ નો પાસવર્ડ પણ ધાક-ધમકી આપીને મેળવી લઈ એટીએમમાંથી 25000 રૂપિયા ઉપાડી લીધા હતા. ત્યાંથી રાજાને કારમાં બેસાડીને કપડવંજ મોઇન શેખની સાસરી લઈ ગયા હતા. તે દરમિયાન રાજાના પરિવારો અવારનવાર ફોન કરીને રાજાની પૂછપરછ કરતા હોવાથી દર વખતે ડ્રાઇવર મોઈન અવનવા બહાના બતાવીને ફોન કાપી નાખતો હતો. પરિવારના સભ્યોની અવારનવાર ની પૂછપરછથી ત્રણેય અપહરણકારો ડરી ગયા હતા. બાદમાં રાજાને છુપાવવાની કોઈ જગ્યા ન મળવાથી રાજાને 200 રૂપિયા આપીને ચિલોડા ખાતે ઉતારી દઇ આ બનાવની જાણ કોઈને નહીં કરવાની ધાક-ધમકી આપી ત્યાંથી ત્રણેય જણા કારમાં ફરાર થઈ ગયા હતા. બાદમાં રાજા રિક્ષામાં બેસીને ઘરે પરત ફર્યો હતો. આ અંગે રાજાની ફરિયાદના આધારે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકે ગુનો નોંધી ત્રણેય અપહરણકારોને ઝડપી લેવા માટે પોલીસ ટીમ રવાના કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *