
વલસાડના રાબડા ગામના વતની અને હાલમાં શહેરના બેચર રોડ પર હાઈવે પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા હિતેશ ઠાકોરભાઈ પટેલ બેંકમાં કેશિયર છે. તેમને સંતાનમાં બે દીકરી મિતાલી અને દિવ્યા છે. મિતાલીએ વલસાડની સેન્ટ જોસેફ હાઈસ્કૂલમાંથી અભ્યાસ બાદ પાઈલોટના અભ્યાસ માટે મુંબઈની વાટ પકડી હતી ત્યારબાદ વધુ અભ્યાસ માટે વિદેશ જવુ અને નોકરી મેળવવા સુધી લાખો રૂપિયાનો ખર્ચ થાય તેમ હતો. પરંતુ તેમ છતાં માવતર મનોબળ હાર્યા નહી અને દીકરી પાછળ જીવનભરની પૂંજી ખર્ચી નાંખી હતી. દીકરીને કોઈ પણ ભોગે પાયલોટ તો બનાવવી જ છે.
આર્થિક કટોકટીમાં સરકારની પાયલોટ યોજનાની મળેલી લોન થી સપના સાકાર થયા
હતાશા ભરી સ્થિતિમાં તેમણે એક દિવસમાં વર્તમાન પત્રમાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આદિવાસી બાળકો આગળ વધે તે માટે પાયલોટ યોજના હેઠળ 15 લાખ સુધીની લોનની સહાય વિદેશ અભ્યાસઅર્થે માત્ર 4 ટકાના નજીવા વ્યાજના દરે મળે છે એવુ વાંચ્યું હતું. તેમાં સૌથી મોટી રાહત એ હતી કે, લોન લીધા પછી 1 વર્ષ બાદ સરળ હપ્તેથી 15 વર્ષ સુધીમાં લોન ભરવાની હતી. જેથી પિતા હિતેશભાઈ જિલ્લા પ્રાયોજના વહીવટદાર કચેરીમાં પહોંચી વિદેશ અભ્યાસ અર્થે લોનની સહાય માટે અરજી કરતા તેમની લોન મંજૂર થતા 15 લાખનો ચેક ગાંધીનગરથી મળતા મિતાલીની કારકિર્દીની શરૂઆત થઈ.
વલસાડ ટાઉનથી સીધી અમેરિકાના કેલિફોર્નિયામાં પહોંચી કમર્શિયલ પાયલોટ લાઈસન્સ (સીપીએલ)ની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફરી હતી. અહીં વિદેશનું લાઈસન્સ કન્વર્ટ કરાવ્યા બાદ પાયલોટ માટેની નોકરી માટે એરબસની ટ્રેનિંગ માટે અબુધાબી જવુ પડ્યું હતું. જ્યાં બે માસની તાલીમ બાદ પરત ભારત આવી અને હાલમાં હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મિતાલી 1.50 લાખના પગાર ધોરણે પાયલોટ તરીકે ઈન્ટરનેશનલ ફલાઈટ ઉડાવે છે.