
तेरे सिवा ना मैं रहूँ
ना तू रहे मेरे सिवा
जहां भी ये ज़मीन रहे
जहां भी आसमान रहे
जो तू रहे तो मैं रहूँ
मेरी सदा येही कहे
मेरे कदम वहीँ चलें
जहां तेरे कदम चलें
આ શબ્દોને સાર્થક કરતી ઘટના માંડવી તાલુકા ના શેરડી ગામે બની ગઈ.
સદાય એક બીજા માટે જીવતા એવા પતિ પત્ની આખું આયખું જીવ્યા પણ છેવટે વૃદ્ધ દંપતીનો અમરપ્રેમ તેમને દુનિયા છોડવામાં પણ નિમિત્ત બની ગયો છે.
પતિનાં કુદરતી મોતના આઘાતમાં પત્નીએ પણ ફાની દુનિયા છોડી દેતાં બંનેની સ્મશાનયાત્રા એક સાથે નીકળી હતી.
માંડવી તાલુકાના શેરડી ગામે નિવૃત જીવન ગાળતા જૈન પરિવારના 87 વર્ષીય રવજીભાઈ વેરશી હરિયા (કચ્છીબાબુ)નું સોમવારે ઢળતી સાંજે કુદરતી મૃત્યુ થયું હતું.
આ સમાચારને પગલે તેમનાં પત્ની મંજુલાબેનને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.રવજીભાઈની બંને પુત્રીઓ કચ્છ બહાર હોવાથી તથા અન્ય પરિવારજનો પહોંચે તેની રાહ જોવાના ઈરાદે તેમનો મૃતદેહ ઘરમાં મૂકીને સૌ મંજુલાબેનને માંડવી હોસ્પિટલે સારવાર અર્થે લઈ ગયા હતા.
ગત સોમવારે જ મોડી રાત્રે રવજીભાઈના અર્ધાંગીનીએ દેહ છોડી દીધો હતો.સુખી-સંપન્ન પરિવારના આ વૃદ્ધ દંપતીએ એક જ દિવસે પ્રાણ ત્યાગતાં તેમના અમરપ્રેમનો કિસ્સો સામે આવ્યો હતો.
મંગળવારે આ બંનેની સ્મશાનયાત્રા એક સાથે નીકળી હતી. ગામ માં આવો કિસ્સો સંભવત: પ્રથમ જ બન્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આ દંપતીની સ્મશાનયાત્રામાં જૈન મહાજનના ભવાનજીભાઈ નાગડા, બબા શેઠ, વેલજીભાઈ ખીંયશી શાહ, લખમશીભાઈ હરિયા, ધીરજભાઈ હરિયા, દિનેશભાઈ ગોસર, પ્રેમજીભાઈ, વિનોદભાઈ જોષી, હિંમતલાલ દેવઘર, ઉપસરપંચ નારણભાઈ સંઘાર, કૌશીકભાઈ વ્યાસ વગેરે જોડાયા હતા.