
ચૈત્ર નવરાત્રિ મહોત્સવે માતાના મઢ ખાતે 21મીએ ઘટસ્થાપન
દેશદેવી કચ્છ કુળદેવી મા આશાપુરાજીના પ્રાગટય સ્થાનક માતાના મઢ કચ્છ ખાતે ચૈત્રી નવરાત્રિ મહોત્સવ શુભ મુહૂર્ત તા. 21/3 મંગળવારે રાત્રે 8.30 કલાકે પરંપરા મુજબ મઢ જાગીરના’ અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે ઘટસ્થાપન વિધિ કરાશે.
ચૈત્રી સુદ એકમ તા. 22/3 બુધવારે પ્રથમ નોરતું, ચૈત્રી સુદ સાતમ તા. 28/3 મંગળવારે રાત્રે આઠ કલાકે ગાદી પૂજન, 8.30 કલાકે જગદંબા પૂજન, ત્યારબાદ નવ કલાકે સપ્તમી હવન શરૂ થશે તેમજ મધ્યરાત્રિએ અષ્ટમીના ભાગે એક વાગ્યે શ્રીફળ હોમ-હવનની પૂર્ણાહુતિ કરાશે. હવન પૂર્ણાહુતિ બાદ જગદંબા આઇ આશાપુરાજી તેમજ હિંગલાજ માતાજીના મંદિરે મઢ જાગીરના મહંત રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે આરતી ઉતારવામાં આવશે.