
અમદાવાદમાં પારકાની દુકાનના બોગસ દસ્તાવેજો બનાવી તેને ગીરો મૂકીને બેન્કમાંથી બે કરોડ રૂપિયાની બીઝનેસ લોન લેવા પ્રયાસ કરનાર આદિપુરના યુવકનો ભાંડો ફૂટી ગયો છે.
અમદાવાદના નવરંગપુરામાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઑફ ઈન્ડિયાના મેનેજરે યુવક સામે ખોટા દસ્તાવેજોને સાચા તરીકે રજૂ કરી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હોવાની નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
નવરંગપુરાની GLS બ્રાન્ચના મેનેજર અવિનાશ સિંઘે આદિપુરના વૉર્ડ 3-બી, પ્લોટ નંબર 418માં રહેતા નિખિલ હર્ષદ ભટ્ટ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના આનંદનગર નજીક ટાઈટેનિયમ સીટી સેન્ટર કોમ્પ્લેક્સમાં ‘ભારદ્વાજ ઈન્ટરનેશનલ’ નામની પેઢીના સંચાલક નિખિલ ભટ્ટે 19 જાન્યુઆરીના રોજ બેન્કમાંથી 2 કરોડની બીઝનેસ લોન મેળવવા અરજી આપી હતી. લોન સામે તેણે ગુલબાઈ ટેકરા નજીક શિવશ્યામ સોસાયટીની દુકાન નંબર-6 મોર્ગેજ કરવા દરખાસ્ત કરી હતી. નિખિલે દુકાનના એલોટમેન્ટ લેટર, પઝેશન લેટર, મહાનગરપાલિકાની રસીદ, શેર સર્ટીફિકેટ વગેરે પૂરાવા તરીકે જોડ્યા હતા.
સોસાયટીના ચેરમેનના પત્રથી ભાંડો ફૂટી ગયો
લોન પેપર્સના આધારે બેન્કે મિલકતના ટાઈટલ ક્લિયરન્સ અને વેલ્યુએશનની પ્રક્રિયા હાથ ધરી હતી. આ માટે શિવશ્યામ એસોસિએશનના ચેરમેનને પત્ર લખ્યો હતો. જવાબમાં ચેરમેને બેન્કને જણાવ્યું હતું કે દુકાન નંબર-6ના માલિક તરીકે નિખિલ ભટ્ટ નહીં પણ ડૉ.ભરત રક્ષકનું નામ રેકર્ડ પર બોલે છે. દુકાનની માલિકી અંગે રજૂ કરાયેલાં અન્ય દસ્તાવેજો પણ બોગસ છે. આમ, ખોટા દસ્તાવેજો મારફતે નિખિલે બેન્કમાંથી બે કરોડની લોન મેળવવા પ્રયાસ કરતાં બેન્કે ફરિયાદ નોંધાવી છે.