માંડવીમાં ગાંજાના જથ્થા સાથે વેચાણ કરતો શખ્સ દબોચાયો

માંડવીમાં રહેણાક મકાનમાં એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી 939 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો હતો. આ માલ તેને આઠેક દિવસ પૂર્વે મુંદરા તાલુકાના લુણીની મહિલા પાસેથી ખરીદ્યાનું ખુલ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે, માંડવીના બીચ રોડ પર ગાયત્રી મંદિર પાસે પોતાના રહેણાકના મકાનમાં આરોપી નિરંજન પ્રેમજી જોશી (ઉ.વ. 58) ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરી રહ્યો છે.

આ બાતમીના પગલે ગઈકાલે રાત્રે એસઓજીની ટીમે દરોડા પાડતા ઘરના કબાટમાંથી 939 ગ્રામ માદક પદાર્થ ગાંજો જેની કિં. રૂા. 9390 તથા આરોપી નિરંજન પાસેથી એક મોબાઈલ કિં. રૂા. 5,000 એમ કુલ્લે રૂા. 14,390નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

આરોપી નિરંજનની પૂછતાછ દરમ્યાન આ માલ તેણે મુંદરા તાલુકાના લુણીની અજાણી મહિલા પાસેથી ખરીદ્યાનું જણાવ્યું હતું. ઝડપાયેલ આરોપી તથા હાજર ન મળી આવેલ અજાણી મહિલા વિરુદ્ધ માંડવી પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આદરાઈ હતી.આ કામગીરીમાં એસઓજીના પીઆઈ વી.વી. ભોલા, એ.એસ.આઈ વિજયસિંહ યાદવ, દિનેશભાઈ ગઢવી, હે.કો. રઘુવીરસિંહ જાડેજા, ચેતનસિંહ જાડેજા, રજાક સોતા, નરેન્દ્રસિંહ ઝાલા, ગોપાલભાઈ ગઢવી તથા મહિપતસિંહ સોલંકી જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *