
રાપર તાલુકાનાં બાદરગઢની સીમમાં અપરણિત યુવક અને પરિણીતાએ સજોડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે.
બનાવની પ્રાથમિક વિગત મુજબ,મૂળ રાપર તાલુકાનાં પદમપર ગામનાં રહેવાસી પ્રવીણ કાનજી સાલાણી અને મૂળ પગીવાંઢની અને હાલે પદમપર પરણાવેલ આશાબેન માલદેવ મોરવાડીયાએ બાદરગઢની રામ ટેકરી ગૌશાળા સાઈડનાં વિસ્તારમાં એકબીજાનાં હાથ બાંધીને 220 કે.વી. વીજ ટાવર પર સજોડે ગળેફાંસો ખાધો હતો. જેમા અપરણિત યુવક પ્રવીણ કાનજીની પરમ દિવસે આડેસર પોલીસ મથકે ગુમનોંધ લખાવ્યાનું જાણવા મળ્યું હતું. તો પરિણીતા પદમપર ગામેથી હોળી કરવા પગીવાંઢ ગામે ગત 6/3/2023નાં સવારે નીકળી હતી. જે રાપરથી ગુમ થઈ હતી. જેઓની આજરોજ બાદરગઢનાં સીમાડામાં વીજ ટાવર ઉપર લટકતી હાલતમાં લાશો આસપાસનાં ખેડૂતોને દેખાતા રાપર પોલીસને આની જાણ કરી હતી.
રાપર પીએસઆઈ માજીરાણા, કોન્સ્ટેબલ હડિયેલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનેની લાશો નીચે ઉતારીને રાપર સરકારી હોસ્પિટલ ખાતે લવાઈ હતી. જ્યાં પરિવારજનોને બનાવની જાણ કરીને વધુ તપાસ રાપર પોલીસે હાથ ધરી હતી. તો આવી રીતે પ્રેમીપંખીડાનાં સુસાઇડનાં કારણે સરકારી હોસ્પિટલ ખાતે પરિસ્થિતિ બગડે નહીં તે માટે સમાજના આગેવાનો પણ દોડી આવ્યા હતા. તો પોલીસ સ્ટાફ પણ ખડેપગે તહેનત રહ્યો હતો. બંનેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે બંનેના મૃતદેહોને ફોરન્સિક પીએમ માટે જામનગર મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.