કચ્છી ભાષા ક્યારે લુપ્ત નહી થાય, કચ્છી 90 હજાર વર્ષ થી વધુ જૂની ભાષા

રણ દરિયા અને ડુંગર નું ત્રિવેણી સંગમ એટલે કચ્છ એક તરફ કચ્છ મા રણ તો બીજી તરફ કાળો અને ભૂજ્યો ડુંગર અને આ ખમીરવંતી ધરતી ના ચરણો પખાડતો અરબ સાગર ખારા પ્રદેશ ની કચ્છી ભાષા ખૂબ જ મીઠી છે ત્યારે આજે કચ્છી ભાષા દિવસ ની ઉજવણી નો દિવસ છે ત્યારે આપણે વાત કરશું કચ્છી ભાષાની કચ્છી ભાષા 90 હજાર વર્ષથી પણ વધુ જૂની હોવાનું મનાઈ રહ્યું છે.

વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રીના મતે કચ્છી અતિ પ્રાચીન ભાષામાં સ્થાન પામે છે. વેદકાલીન અને પૌરાણિક સાહિત્યમાં અને પાણિનીના વ્યાકરણમાં અષ્ટાધ્યાયીમાં કચ્છનો ઉલ્લેખ છે. કચ્છી ભાષાની પ્રાચીનતા અંગે વાત કરતા કીર્તિ ખત્રી કહે છે, “કચ્છી ભાષાનિષ્ણાત શિવાજી બારોટે એક આંતરરાષ્ટ્રીય કાર્યશાળામાં કચ્છી ભાષાને 90 હજાર વર્ષ જૂની સિમેટ્રિક એટલે કે અતિ પ્રાચીન ભાષા ગણાવી હતી.”

“જેના સમર્થનમાં તેમણે કહ્યું હતું કે કચ્છીમાં સિમેટ્રિક ભાષાનાં ઘણાં લક્ષણો વર્તાય છે. સિમેટ્રિક ભાષાની જેમ જ કચ્છીમાં દીર્ઘ કરતા હૃસ્વ શબ્દો વધારે વપરાય છે. જેમ કે કચ્છીમાં લાઠીના સ્થાને લઠ, હાંકલના સ્થાને હકલ વગેરે.”

કચ્છી ભાષાની વિશેષતા ગણાવતા તેઓ કહે છે, “કચ્છીમાં કાવ્ય સાહિત્ય વધુ છે, વાર્તા-નવલકથાઓ ઘણી ઓછી છે. કચ્છી ભાષાની અન્ય એક ખાસિયત એ છે કે તે શ્રૃતિ પરંપરામાં આગળ વધે છે. બોલાય છે વધારે, લખાય છે ઓછી.”

India, Gujarat, Kutch, Dhrang village, Ahir ethnic group, embroidery

બાર ગાઉએ કચ્છી બોલી બદલાય

કચ્છી ભાષાની એ વિશેષતા છે કે તેમાં નપુંસક લિંગ નથી.”કચ્છી ભાષા પ્રથમ પુરુષ એકવચનમાં હોવા છતાં બોલવા-સાંભળવામાં બહુ મીઠી ભાષા છે.” “બિન-કચ્છીને તે તરત સમજાય જાય એવી ભાષા છે. કચ્છીની એક વિશેષતા એ પણ છે કે બાર ગાઉએ બોલી બદલાય કહેવત પ્રમાણે માંડવીની કચ્છી અલગ છે અને ભૂજની અલગ કચ્છી છે, બન્નીની અલગ કચ્છી છે.”

કચ્છી ભાષા મોટા ભાગના કચ્છ પ્રદેશમાં બોલાય છે તો પણ પૂર્વ કચ્છના વાગડ વિસ્તાર ભચાઉ અને રાપરમાં કચ્છી ભાષા નથી બોલાતી. બન્નીની કચ્છીમાં સિંધીની છાંટ આવે છે.

“કચ્છીની લિપિ ગુજરાતી જ છે પરંતુ એ પોતે એક આગવી ભાષા છે. તેમાં ઘણા શબ્દો ગુજરાતી અને સંસ્કૃત ભાષાના છે. કહેવાય છે કે કચ્છી ભાષા સિંધીની બહેનપણી છે પરંતુ તે વાસ્તવિકતા નથી.”

મામઈદેવથી દાદા મેકરણથી દુલેરાયથી સુધીનું કચ્છી સાહિત્ય

કચ્છી ભાષાના સાહિત્યમાં દુલેરાય કારાણીનો મોટો ફાળો છે. તેમણે કચ્છના ઇતિહાસ અને લોકકથાઓને કચ્છી ભાષામાં ઉતારી. તેમણે કચ્છી શબ્દકોશ આપ્યો. કચ્છી પિરોલી (ઉખાણાં) અને કચ્છી કહેવતો ઉપર પણ દુલેરાયે ઘણું કામ કર્યું છે. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા નારાયણ જોશીએ એક નવો પ્રયોગ કર્યો હતો. કચ્છમાં બિન-કચ્છી શિક્ષકોને કચ્છી ભાષા શીખવામાં મદદ મળે એ માટે કચ્છી પાઠાવલી તૈયાર કરી હતી.

પ્રતાપરાય ત્રિવેદીએ કચ્છી વ્યાકરણ અને શબ્દકોશ તૈયાર કર્યો. મેકરણ દાદા અને કવિ રાઘવે કચ્છી ભાષામાં આધ્યાત્મ આપ્યું. મામઇદેવ મહેશ્વરી સમાજના ધર્મગુરુ હતા.

તેમણે કચ્છી ભાષામાં આગમવાણી લખી છે. નરેશ અંતાણી કહે છે, “મામઇદેવની લગભગ આગાહી સાચી પડતી જાય છે. તેમણે માંડવીની પડતી અને કંડલાની ચડતીની ભાવિ ભાખ્યું હતું. એમ જ થઈ રહ્યું છે.”

જટુભાઈ પનિઆએ વાર્તાઓ લખી અને ધનજી ભાનુશાળીએ કચ્છી કાવ્યોમાં ખેડાણ કર્યું છે.

માધવ જોશીએ કછી ભાષામાં સારું ખેડાણ હતું અને કચ્છી ભાષાને માન્યતા મળે એ માટે તેમણે ઘણા પ્રયત્નો કર્યા હતા.

મુંબઈસ્થિત કચ્છી કવિ ડૉ. વીસન નાગડાના કચ્છી કાવ્યસંગ્રહ ‘સોખાંજો’ને કચ્છી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો છે. આઝાદી પહેલાંના કાળમાં શાયર મકબૂલે કચ્છી કોયલ નામનો ગઝલસંગ્રહ પણ આપ્યો હતો.
નરેશ અંતાણી કહે છે, “કચ્છી કવિ માસ્તર હમીરાણી આઝાદી બાદ પાકિસ્તાન સ્થાળાંતરિત થયા હતા.”
જૈન યતિ કનક કુશલ અને અત્યારે ‘આનંદ’ ઉપનામથી લખતા નરેશ મુનિએ પણ કચ્છી સાહિત્યમાં ઘણું યોગદાન આપ્યું છે.

કચ્છીને ભાષા તરીકે માન્યતા મળે તો શું લાભ થાય?

શક્તિસિંહ ગોહિલ કહે છે, “બંધારણ આઠમી અનુસૂચિમાં બંધારણીય માન્ય ભાષાઓનો સમાવેશ થાય છે. એ ભાષાઓના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકાર જોગવાઈઓ કરે છે અને તેને ભાષા તરીકે ઉપયોગમાં લેવામાં પ્રાધાન્ય મળે છે. કોઈ પણ ભાષાને આઠમી સૂચિમાં સમાવવા માટે એક કમિટી હોય છે.”

ઉદાહરણ આપતાં શક્તિસિંહ કહે છે, “દાખલા તરીકે હું સંસદમાં ગુજરાતી ભાષામાં બોલી શકું છું, કારણ કે આઠમી સૂચિમાં ગુજરાતી ભાષાનો સમાવેશ થયેલો છે.”

“પણ જો આઠમી સૂચિમાં કચ્છી ભાષા ન હોવાથી કચ્છી ભાષામાં હું સંસદમાં બોલી શકતો નથી. એ જ રીતે સરકારના ભાષાના સંવર્ધન અને સંરક્ષણ માટેના બજેટની જોગવાઈ પણ આઠમી સૂચિમાં આવતી ભાષાઓ માટે જ થાય છે.”

કચ્છી સાહિત્ય અકાદમીના પૂર્વ પ્રમુખ, કચ્છમિત્રના પૂર્વ તંત્રી અને વરિષ્ઠ પત્રકાર કીર્તિ ખત્રી કહે છે, “કચ્છી ભાષાને બંધારણમાં સ્થાન મળે તો જ તે શિક્ષણમાં સ્થાન મેળવી શકે અને તેનો વિકાસ થાય. મારો પ્રશ્ન એ છે કે ગુજરાત સરકાર શા માટે પ્રાથમિક ધોરણમાં પસંદગીના વિષય તરીકે કચ્છી ભાષાને સમાવતી નથી?

India, Gujarat, Kutch, Dhori village, group of women dance at wedding ceremony

કચ્છીની લિપિ ગુજરાતી સિવાય ફારસી પણ છે?

ભુજના પ્રાગ મહેલના આર્કાઇવિસ્ટ અને કચ્છના ઇતિહાસના અભ્યાસુ દલપત દાણિધારિયા કચ્છની લિપિ અને તેમના પ્રયાસો અંગે વાત કરતા કહે છે, “લિપિને સેટ કરવા માટે ત્રણેક જેટલા પ્રયાસો થયા છે. એક બહુ જ જૂના જમાનામાં વહોરા વાપરતા તે ખરોષ્ઠિ લિપિ બની હતી.”

“ત્યાર બાદ અમદાવાદમાં એક મહિલાએ કચ્છી લિપિ ઢાળવાનો પ્રયાસ કર્યો હતો. ત્રીજી વાર પણ લિપિ ઢાળવાનો પ્રયાસ થયો હતો.”

“કચ્છી ભાષાને અક્ષરદેહ આપવા માટે અમદાવાદના બહેને પ્રયાસ કર્યો હતો તેમનું પ્રદર્શન પણ થયું હતું, પુસ્તક પણ બહાર પાડ્યું છે.”

“પરંતુ લિપિને વ્યાપક બનાવવાનો પ્રશ્ન વિકટ છે. તેને સર્વસ્વીકૃત કઈ રીતે બનાવવી તે પ્રાણપ્રશ્ન રહ્યો છે એટલે હજુ સુધી અલગ લિપિનું ગોઠવાયું નથી.”

રામસિંહભાઈ રાઠોડે ‘રામ રાંધ’ (રામ લીલા) નામનું પુસ્તક લખ્યું છે તેમાં ઠીકરા ઉપર લખેલી અને મળી આવેલી એક લિપિને અસલ કચ્છી લિપિ ગણાવી હતી.

દલપત દાણિધારિયા કહે છે, “એમની બારખડી પણ એમણે એ પુસ્તકમાં લખી છે.”

તેઓ ગુજરાતી લિપિની માન્યતા અંગે કહે છે, “ગુજરાતી ભાષા સાથે કચ્છી બોલનારા સૌથી વધુ સંકળાયેલા હોવાથી અત્યારે કચ્છી લિપિ ગુજરાતીમાં જ લખાય છે. હા, સિંધના અમુક ભાગમાં કચ્છી બોલતા લોકો સિંધી કે ફારસીમાં લિપિ લખતો હોઈ શકે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *