
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં મંગળવારે સાંજે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે,
જેમાં દેખાય છે કે પૂરઝડપે આવતા ટ્રકચાલકે એક્ટિવાચાલકને ટક્કર મારી હતી, જેથી એક્ટિવાચાલક યુવાન નીચે પટકાયો હતો અને તે જ સમયે ટ્રકની પાછળનું ટાયર યુવકના માથા પરથી પસાર થતા તેનું માથું છુંદાઈ ગયું હતું. આ કમકમાટીભર્યા અકસ્માતમાં 35 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે અજાણ્યા ટ્રકચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ આદરી છે.
મોહમ્મદી મસ્જિદ પાસે સર્જાયો અકસ્માત
માહિતી મુજબ, નરોડા વિસ્તારમાં રહેતો મહેન્દ્ર પુરોહિત નામનો 35 વર્ષીય યુવક કોઈ કામથી રખિયાલ ગયો હતો. વિસ્તારમાં આવેલી મોહમ્મદી મસ્જિદ પાસેથી પસાર થતી વખતે પૂરઝડપે આવતી એક ટ્રકે યુવકને ટક્કર મારી હતી. આથી સંતુલન ગુમાવતા મહેન્દ્ર નીચે પટકાયો હતો. તે જ સમયે ટ્રકના પાછળનું ટાયર મહેન્દ્રના માથા પરથી પસાર થતા માથું કચડાઈ ગયું હતું. આ અકસ્માતમાં મહેન્દ્રનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જો કે, અકસ્માત સર્જીને ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ અંગે રખિયાલ પોલીસે જાણ કરાઈ હતી.
અજાણ્યા ટ્રકચાલક સામે નોંધાયો ગુનો
રખિયાલ પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી અને ફરાર અજાણ્યા ટ્રકચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ આદરી છે. આ મામલે મહેન્દ્રના કાકાના દીકરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જોકે અકસ્માતની ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભડનો માહોલ સર્જાયો છે. શહેરમાં ભારે વાહનો જાણે યમદૂત બનીને દોડી રહ્યાં છે હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.