
ત્રણ આરોપીઓને નાસી જવામાં મદદગારી કરનાર શખ્સને માઉન્ટ આબુથી ઝડપી લેવાયો
ભુજ : મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના બનાવમાં સંડોવાયેલા પોલીસ કર્મચારીઓને આશરો આપનાર ઈસમની પશ્ચિમ કચ્છ પોલીસે ધરપકડ કરી છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાંથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં બનેલા કસ્ટોડિયલ ડેથના બનાવમાં પાંચ પોલીસ કર્મચારીઓ સહિત છ શખ્સો પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરે છે. જે પૈકી મુખ્ય આરોપી એવા શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ, અશોક લીલાધર કનાડ અને જયદેવસિંહ અજિતસિંહ ઝાલાની શોધખોળ દરમ્યાન પોલીસને જાણવા મળ્યું હતુ કે, આરોપીઓને આશરો આપવા તેમજ નાસી જવામાં તેમના મિત્ર નરવીરસિંહ ગણપતસિંહ સરવૈયાએ મદદગારી કરી હતી. જેથી રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતેથી આરોપીની અટક કરવામાં આવી છે. આ ગુનાહમાં નાસતા-ફરતા આરોપીઓને કોઈપણ ઈસમ આશરો આપશે તો તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે. આરોપીઓ વિશે કોઈપણ માહિતી મળે તો ભુજ વિભાગના ડીવાયએસપી જે.એન. પંચાલના મોબાઈલ નંબર ૯૯૭૮૪ ૦૮ર૪૪ તેમજ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એસ.જે. રાણા, મુન્દ્રા પીઆઈ બી.એમ. જાનીનો અતવા તો મુન્દ્રા પોલીસ સ્ટેશનના નંબર ૦ર૮૩૮ રરર૧ર૧ પર સંપર્ક કરવા પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અપીલ કરાઈ છે.