
સુરત શહેરના ઉમરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા સોના-ચાંદીના દાગીના, રોકડ મળી કુલ રૂ.7.90 લાખની ચોરીના મામલે એક મહિલાની વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, મહિલા ચોરીના પૈસાથી વડોદરાના મંગળબજારમાં ખરીદી કરવા આવી હતી. દરમિયાન પોલીસે બાતમીના આધારે તેની ધપકડ કરી રૂ.7.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
થોડા દિવસ પહેલા સુરતના ઉમરા વિસ્તારમાં રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.7.90 લાખની ચોરીની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જો કે, આ મામલે પ્રાથમિક તપાસમાં ચોરી મહિલાએ કરી હોવાનું સામે આવ્યું હતું. આથી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મહિલાની શોધખોળ આદરી હતી. પરંતુ, ઉમરા પોલીસને મહિલાની ધરપકડ કરવામાં કોઈ મોટી સફળતા મળી નહોંતી. દરમિયાન વડોદરાની પોલીસને આ મામલે બાતમી મળી હતી.
ચોરીના પૈસાથી મહિલા ખરીદી કરવા ગઈ
વડોદરા મંગળબજારમાં મહિલા ચોરીના રૂપિયાથી ખરીદી કરવા આવી હોવાની માહિતી લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-4ના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અભયરાજસિંહને મળી હતી. આથી પોલીસ ટીમે વોચ ગોઠવી અને મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે મહિલા પાસેથી રૂ.7.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં મહિલાનું નામ સિમરન બાઠીયા હોવાનું જાણવા મળ્યું હતું અને મહિલા મૂળ રાજસ્થાનની છે. આ મામલે પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.