
દિવસ રંગેબરંગી પતંગોથી અને રાતે આતશબાજી ઝળહળી ઉઠ્યું આકાશ, હિન્દી સોન્ગ પર ગુજરાતીઓના ગરબા
કોરોનાના 3 વર્ષ બાદ લોકો ઉત્તરાયણનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ધામધૂમથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે લોકો વહેલી સવારથી જ પતંગ, ફીરકી તેમજ સાઉન્ડ સિસ્ટમ લઇને ધાબે ચડી ગયા હતા. એક તરફ આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળતા હતા. તો બીજી તરફ કાઈપો છે…, લપેટ… લપેટ…ની બૂમા સંભળાતી હતી. જોકે, આખો દિવસ રંગેબરંગી પતંગોથી ઝળહળતું આકાશ અંધારું થવાની સાથે જ આતશબાજીથી ઝળહળી ઉઠ્યું હતું. આ સાથે ધાબા પર લોકો ગરબા તેમજ હિન્દી સોન્ગ પર ઝૂમતા જોવા મળ્યા હતા.
અમદાવાદની પોળોમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી
અમદાવાદમાં ઉત્તરાયણની રાત્રે લોકોએ પતંગની સાથે આતશબાજી પણ કરી હતી. આખો દિવસ પતંગ ઉડાવવાની મજા માણ્યા બાદ ફટાકડા ફોડીને ઉજવણી કરતા જોવા મળ્યા હતા. પૂર્વ વિસ્તારમાં ખાડિયા, રાયપુર દરવાજા સહિતની પોળોમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.