જિલ્લા કલેક્‍ટરશ્રી આર.આર.રાવલના સંવેદનશીલ નિર્ણયથી ૧૦ વર્ષના પીડિત બાળકને મળી મોટી રાહત

વલસાડ સિવિલ હોસ્‍પિટલની સરાહનીય કામગીરી

વલસાડ જિલ્લાની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ સિવિલ હોસ્‍પિટલ ખાતે આર્યન રાકેશભાઈ કનોજીયા, ઉંમર વર્ષ ૧૦, રહેવાસી અબ્રામા વલસાડની સારવાર ૮૫ હજારના મોંઘા હિમોફિલિયાના ફેક્‍ટર ૭ ના એક ઇન્‍જેકશન એવા કુલ ૪ ઇન્‍જેકશન મળી કુલ રૂ. ૩.૪૦ લાખના ઇન્‍જેકશન મફતમાં પૂરા પાડીને સારવાર કરવામાં આવી છે.
આ કિસ્‍સામાં વિગતવાર જણાવીએ તો આર્યનનું સિવિલ હોસ્‍પિટલ વલસાડ ખાતે હિમોફિલિયાના દર્દી તરીકે નિદાન થયું હતું. ત્‍યાર બાદ તે રેગ્‍યુલર સારવાર માટે અત્રે આવે છે. પ્રથમ વખત પાંચ વર્ષની ઉંમરે લક્ષણો જણાતાં સુરત અને ત્‍યાર બાદ કે.એમ.હોસ્‍પિટલ મુંબઇ ખાતે તપાસ કરતાં તેનું નિદાન થયું હતું. આર્યનને લોહી બંધ ન થવાની તકલીફ વધુ હોવાથી તે અવાર-નવાર ફેકટર-૮ લેવા માટે વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખાતે આવતો હતો. અને તેની ફેકટર-૮ ની જરૂરિયાત પણ વધતી જતી હોય તે મહિનામાં આશરે ત્રણ વખત હોસ્‍પિટલ ખાતે સારવાર માટે દાખલ થતો હતો. જેથી વલસાડ સિવિલ હોસ્‍પિટલના બાળરોગ વિભાગના એચ.ઓ.ડી. ડો. નિલમ શાહ અને તેની ટીમે તેને ઇન્‍હીબીટર ટેસ્‍ટ કરવા માટે જણાવ્‍યું હતું. કારણ કે તે ફેકટર ૮ થી રેજીસ્‍ટ થઇ ગયો હતો. સુરત હિમોફિલિયા સોસાયટીની મદદથી ગત દિવાળીની આસપાસ ઇન્‍હીબીટર ટેસ્‍ટ કરાવતા તેના રિપોર્ટ મુજબ તેને ફેક્‍ટર-૭ની જરૂરિયાત જણાઇ હતી. તે સમયે તેનો દાંત નીકળી જતા ખૂબ જ લોહી નીકળતું હોવાથી તેને સુરત ખાતે ફેક્‍ટર ૭ સુરત હિમોફિલિયા સોસાયટીની મદદથી મેળવ્‍યું હતું. સુરત હિમિોફિલિયા સોસાયટી તરફથી ફેક્‍ટર ૭ વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખાતેથી મળી રહે તે માટે તબીબી અધિક્ષકને રજુઆત આવી હતી. જે સંદર્ભે તબીબી અધિક્ષક વલસાડ દ્વારા વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખાતે આ સુવિધા ઉપલબ્‍ધ કરાવવા માટે વલસાડ જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલને વિનંતી કરવામાં આવતાં સંવેદનશીલ કલેક્‍ટરશ્રી રાવલ દ્વારા એક પળનો પણ વિલંબ કર્યા વિના તાત્‍કાલિક આ બાળકની અત્રે જ સારવાર હાથ ધરવા અને સારવાર ખર્ચના રોજના ૮૫ હજાર રૂપિયાના એક એવા ચાર ઇન્‍જેકશનના કુલ રૂ.૩.૪૦લાખના ખર્ચની મંજુરી આપવામાં આવી હતી. આ પીડિત બાળક અને તેના પરિવારને મોટી રાહત મળી છે. આટલા મોંઘા ઇન્‍જેકશનની સારવાર મફતમાં સિવિલ હોસ્‍પિટલ ખાતે પૂરા પાડવામાં આવતાં હિમોફિલિયાના દર્દીઓમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે. આમ, વલસાડ સિવિલ હોસ્‍પિટલની સરાહનીય કામગીરી તેમજ વલસાડ કલેક્‍ટરના સંવેદનશીલ નિર્ણયથી ૧૦ વર્ષના પીડિત બાળકને મોટી રાહત મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *