અસુરક્ષિત રાજકોટ : ધોળા દિવસે મહિલા પર ઘરની અંદર ઘુસીને હુમલો કરી લૂંટ ચલાવી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શાશક પક્ષ દ્વારા શહેરને સુરક્ષિત હોવાના દાવા કરતા હોય છે ત્યારે આજે રાજકોટમાં ધોળે દિવસે મહિલાનો પીછો કરીને ઘરમાં ઘુસી જીવલેણ હુમલો કર્યો હતો ત્યારબાદ મહિલાના હાથમાંથી સોનાની બંગડી લૂંટીને લૂંટારો ભાગી ગયો હતો. મહિલાની હાલત ગંભીર છે અને તે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. 

આ ઘટનાની વધુ વિગત મુજબ રાજકોટના પોશ વિસ્તાર ગણાતા એવા નિર્મલા રોડ પર આવેલી પારસ સોસાયટીમાં એક બંગલામાં લૂંટની ઘટના બની હતી. લૂંટારુએ મહિલાની પાછળ ઘરમાં ઘુસી ગયો હતો અને ત્યારબાદ મહિલાના માથાના ભાગે હથોડી વડે હુમલો કરતા મહિલા લોહીલુહાણ થઇ ગઈ હતી અને તેમના બંગલામાં જ ઢળી પડી હતી. આ જ સમયે લુટારુએ મહિલાના હાથમાંથી બંગડીઓ કાઢી નાખી હતી અને નાસી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ રાજકોટ એસઓજી સહીત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીતનો કાફલો ત્યાં દોડી ગયો હતો.

રાજકોટમાં નિર્મલા રોડ પર પારસ સોસાયટીમાં પારિજાત બંગલામાં આજે આ ઘટના બની હતી. જે મહિલા પર જીવલેણ હુમલો થયો હતો તે તાનિયાબેન બાલચંદાણી છે. હાલ તે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે અને આ ઘટના અંગે નિવેદન આપી શકે તેમ નથી તેમ ACB ભાર્ગવ પંડ્યાએ નિવેદન આપ્યું હતું. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. વિધાનસભાની ચૂંટણી સમયે જ આવી ઘટના રાજકોટ શહેરમાં બને ત્યારે શાશક પક્ષના સુરક્ષિત શહેરના દાવા પોકળ સાબિત થાય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *