
કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી અત્યાર સુધી તમિલનાડુથી મહારાષ્ટ્ર સુધી પગપાળા પ્રવાસ કરી ચૂક્યા છે. આ દરમિયાન આ યાત્રા દ્વારા અલગ-અલગ પ્રસંગોને દર્શાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. જયારે 19 નવેમ્બરે ભારત જોડો યાત્રા અકોલામાંથી પસાર થશે ત્યારે પણ આવું જ દ્રશ્ય જોવા મળશે. વાત એમ છે કે આ દિવસે રાહુલ સાથે પદયાત્રામાં માત્ર મહિલાઓ જ સામેલ થશે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ માહિતી આપી હતી.

ભારત જોડો યાત્રા માટે 19 નવેમ્બર છે ખાસ
19 નવેમ્બરે રાહુલ ગાંધીના દાદી અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ છે. એવામાં કોંગ્રેસમાં મહિલા સશક્તિકરણનો સંદેશ આપવા માટે, આ દિવસે રાહુલ ગાંધી સાથે ફક્ત મહિલાઓને જ પદયાત્રામાં ચાલવાની મંજૂરી આપવામાં આવશે.
આ યાત્રા વિશે માહિતી આપતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, ‘ઇન્દિરા ગાંધીની 105મી જન્મજયંતિ પર રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદો અને કાર્યકરો ઉપરાંત પંચાયતના સભ્યો પણ ભારત જોડો યાત્રામાં ભાગ લેશે. આ સ્ત્રી શક્તિ દર્શાવવાની એક મહત્ત્વપૂર્ણ તક બનશે.’ તેમણે કહ્યું કે આ યાત્રામાં મહારાષ્ટ્રની મહિલાઓ ઉપરાંત દેશભરમાંથી મહિલા નેતાઓ ભાગ લેશે. 19 નવેમ્બરે મહારાષ્ટ્ર બાદ યાત્રા 20 નવેમ્બરે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે.

અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલા 14 નવેમ્બર બાળદિવસ અને નહેરુની જન્મજયંતિ નિમિતે આ યાત્રાના પદયાત્રીઓને પંડિત નેહરુએ લખેલ પુસ્તક ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ની 600 કોપીઓ ભેટમાં આપી હતી.
જણાવી દઈએ કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સપ્ટેમ્બર મહિનામાં તમિલનાડુના કન્યાકુમારીથી શરુ થઈ હતી અને આવતા વર્ષની શરૂઆતમાં કાશ્મીરમાં પૂર્ણ થવાની છે. આ દરમિયાન રાહુલ ગાંધી બીજા પદયાત્રીઓ સાથે ભારતના વિવિધ રાજ્યોમાંથી 3570 કિલોમીટરનું અંતર 150 દિવસની અંદર કાપશે.