
પોરબંદરની ચોપાટી પાસે નવા બનેલા રોડની એક ડઝન હેલોઝન સહિત ફૂવારના ફૂટવાલ્વની ચોરીનો પર્દાફાશ પાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને ચોરીનો માલ કબ્જે કરી લેવામાં આવ્યો છે પરંતુ પોલીસ આવે તે પહેલા તસ્કરો નાશી છૂટયા હતા જેમાં બે યુવાન સહિત એક મહિલાનો સમાવેશ થાય છે.

પોરબંદર નગરપાલિકાના ચોપાટી વિસ્તારના સફાઇ વિભાગના સુપરવાઇઝર દીપકભાઇ વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે તેમના કોઇ સફાઇ કર્મચારી એસ.ટી. બસ સ્ટેશનમાં હતા ત્યારે કોઇએ એવી માહિતી આપી હતી કે બેસવાની ખુરશી નીચે હેલોઝન લાઇટોનો કોથળો ભરેલો છે અને એક મહિલા તથા બે યુવાનો ત્યાં બેઠા છે આથી દીપકભાઇ વાઘેલા અને અન્ય કર્મચારી તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને તેઓની પાસે રહેલા કોથળામાંથી સામાન કઢાવીને પૂછપરછ કરવામાં આવતી હતી તે દરમ્યાન તેઓ ત્રણેય નાશી ગયા હતા. દીપકભાઇ વાઘેલાના જણાવ્યા અનુસાર પોરબંદરના રિલાયન્સ ફૂવારાથી ચોપાટી સુધીના ચાઇનીઝ ખાણીપીણીની બજાર હતી તે ખાલી કરાવી નગરપાલિકાએ અદ્યતન સુવિધાઓ સાથેનો નવો સિમેન્ટ રોડ બનાવ્યો છે અને વચ્ચેના ભાગે ડિવાઇડરમાં વૃક્ષારોપણ કરી રંગબેરંગી હેલોઝન લાઇટો ફીટ કરી છે તેમાંથી એક ડઝન જેટલી હેલોઝન લાઇટ આ શખ્શોએ કાઢી લીધી હતી એટલું જ નહીં પરંતુ રિલાયન્સ ક્વારામાંથી એક મોટો ફૂટવાલ્વ અને એક નાનો ફૂટવાલ્વ તેઓએ કાઢી લીધા હતા.

આ તમામ મુદ્દામાલનો કોથળો કબ્જે કરવામાં આવ્યો હતો અને પાલિકાના પ્રમુખ સરજુભાઇ કારીયા સહિત હેડ ઓફિસર જગદીશભાઇ ઢાંકી અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ તમામ મુદ્દામાલ સુપરવાઇઝર દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે અને પોલીસને પણ તે અંગેની જાણ કરવામાં આવી છે. પોરબંદરની ચોપાટી પાસે ઝૂપડપટ્ટીમાં રહેતા લોકો દ્વારા આ ચોરી થઇ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. અહીં અવારનવાર નાની મોટી ચોરીના બનાવો બને છે તે ઉપરાંત હોર્ડિંગના બેનર કાઢી લેવા સહિત જુદીજુદી ચીજવસ્તુઓની ચોરી થતી હોય છે ત્યારે પોલીસ પણ આ વિસ્તારમાં રહેતા શખ્શો સામે તપાસ કરી કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.