25 THOUSAND FOR HELP : ગડકરીની મોટી જાહેરાત, હાઈવે પર અકસ્માત થાય તો મદદ કરનારા ‘રાહવીર’ને રૂ.25 હજારનું ઈનામ.

25 THOUSAND FOR HELP : ભારતમાં દર વર્ષે લાખો લોકો રોડ એક્સિડન્ટમાં પોતાનો જીવ ગુમાવે છે. આ ગંભીર સ્થિતિને જોતા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં એક મોટી જાહેરાત કરી છે. જે મુજબ હાઈવે પર અકસ્માત સમયે ઘાયલ વ્યક્તિની મદદ કરનાર માણસને હવે ‘રાહવીર’ તરીકે ઓળખાશે અને તેને સરકાર તરફથી 25,000 રૂપિયાનું રોકડ ઇનામ પણ આપવામાં આવશે.
લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન ગડકરીએ જણાવ્યું કે, ભારતમાં દર વર્ષે અંદાજે 5 લાખ અકસ્માત થાય છે, જેમાં 1.80 લાખ લોકોના મોત થાય છે. સૌથી દુઃખદ વાત એ છે કે, આ મૃત્યુ પામનારાઓમાં 67% લોકો 18થી 34 વર્ષની વયના યુવાનો હોય છે. AIIMSના એક રિપોર્ટને ટાંકીને તેમણે કહ્યું કે, ‘જો અકસ્માતનો ભોગ બનેલા લોકોને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવે(ગોલ્ડન અવરમાં સારવાર મળે) તો દર વર્ષે 50,000 લોકોના જીવ બચાવી શકાય તેમ છે.
25 THOUSAND FOR HELP : સામાન્ય રીતે રોડ અકસ્માત સમયે લોકો પોલીસ કે કાયદાકીય ગૂંચવણોમાં ફસાઈ જવાની બીકે ઘાયલ વ્યક્તિની મદદ કરતા અચકાતા હોય છે, પરંતુ હવે આ ડર રાખવાની કોઈ જરૂર નથી. આ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી છે કે મદદ કરનાર વ્યક્તિએ પોલીસના ચક્કર કાપવા નહીં પડે. ઉલટાનું, માનવતા બતાવીને ઘાયલને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિને સરકાર ‘રાહવીર’ તરીકે ઓળખાવશે અને તેમને પ્રોત્સાહનના ભાગરૂપે ₹25,000નું ઇનામ પણ આપવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય લોકોમાં રહેલા ડરને દૂર કરી એક સુરક્ષિત અને મદદરૂપ સામાજિક વાતાવરણ ઊભું કરવાનો છે.
25 THOUSAND FOR HELP : કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, અકસ્માતના પહેલા 7 દિવસની સારવાર ખૂબ મહત્ત્વની હોય છે. તેથી સરકારે નિર્ણય લીધો છે કે, ઘાયલ વ્યક્તિની 7 દિવસ સુધીની સારવાર અને દોઢ લાખ રૂપિયા સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે. આ રકમ સીધી હોસ્પિટલના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી ખાનગી હોસ્પિટલો પણ પૈસાના અભાવે સારવાર રોકી ન શકે.
25 THOUSAND FOR HELP : નીતિન ગડકરીએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, ‘લોકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે આદર કે ડર ઓછો છે. સરકારે સુરક્ષા માટે કારમાં 6 એરબેગ અને નવા ટુ-વ્હીલર સાથે 2 હેલ્મેટ આપવાના નિયમો બનાવ્યા છે. અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ દ્વારા પણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. તેમજ લોકોએ પોતાની વર્તણૂક બદલવી પડશે અને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.