`સુરક્ષા માટે હિન્દુઓ એક થાય’

ભારત એક હિંદુ રાષ્ટ્ર છે અને હિંદુઓ પોતાના સમાજની સુરક્ષા માટે ભાષા, જાતિ અને ક્ષેત્રીય વિવાદોને ખતમ કરી એકસંપ બને તેવું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ ડો. મોહન ભાગવતે રાજસ્થાનમાં આયોજિત `સ્વયંસેવક એકત્રીકર’ના કાર્યક્રમમાં આહ્વાન કરતાં કહ્યું હતું. એક મીડિયા હેવાલ મુજબ, બારાંમાં કૃષિ ઉપજ મંડી પરિસરમાં સ્વયંસેવકોને સંબોધતાં ભાગવતે કહ્યું હતું કે, સમાજનું નિર્માણ માત્ર એક વ્યક્તિ કે પરિવારથી નહીં, પણ વ્યાપક દૃષ્ટિકોણથી થાય છે. હિંદુ સમાજે હંમેશાં સંવાદના માધ્યમથી સદ્ભાવ અને એકતા રાખી છે અને દરેકને અપનાવે છે,

પણ હિંદુ સમાજની સુરક્ષા માટે તમામ હિંદુઓ વાદવિવાદ ખતમ કરીને એક મંચ પર આવે અને સમાજની નબળાઈઓ દૂર કરવા વ્યાપક સંપર્ક સાધે તેવી અપીલ ભાગવતે કરી હતી. સંઘ પ્રમુખે જણાવ્યું હતું કે, સમાજમાં સામાજિક સમરસતા, ન્યાય, સ્વાસ્થ્ય, શિક્ષણ અને આત્મનિર્ભરતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. સાથે જ પર્યાવરણ અંગે જાગરુકતા, સ્વદેશી મૂલ્યો અને નાગરિક કર્તવ્યો પ્રત્યે પણ જાગૃતિ વધારવી જોઈએ તો જ સમાજની મૂળભૂત એકતા વધશે. આ કાર્યક્રમમાં ચાર હજાર સ્વયંસેવકો તેમજ સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ પણ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *