જૂની પેન્શન યોજના અંગેના મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકારના લાખો કર્મચારીઓના હિતલક્ષી જૂની પેન્શન યોજના અંગેના મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. મંત્રીમંડળની બેઠક બાદ આ નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી વિવિધ રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. જે મુજબ, 1 એપ્રિલ, 2005 પહેલા વિવિધ સંવર્ગના ફિક્સ પગારમાં નિમણૂંક કરાયેલા 60,245 જેટલા અધિકારી-કર્મચારીને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા રાજ્ય સસરકારે સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો છે. આ ઉપરાંત ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થું/વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમા પગારપંચ પ્રમાણે અપાશે. ચાર્જ એલાઉન્સ બેઝીક પગારના 5 કે 10 ટકા આપવામાં આવે છે, જે સાતમા પગારપંચ મુજબ આપવું, મુસાફરી અને દૈનિક ભથ્થાંના દર સુધારવા તેમજ વયનિવૃતિ-અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરવો જેવી રજૂઆતોનો પણ સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. જેનો વિગતવાર ઠરાવ વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. મહત્વનું છે કે, સરકારી કર્મચારીઓના હિતમાં સ્વીકાર કરાયેલા જુની પેન્શન યોજના સિવાયના નિર્ણયોમાં રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક આશરે રૂ. 200 કરોડથી વધુની રકમનું ભારણ પડશે. અહીં નોંધવું ઘટે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કર્મચારીઓના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ આવે તે સંદર્ભે મંત્રીમંડળના સભ્યોની કમિટી રચવામાં આવી હતી. આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની સમિતિએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે મેરેથોન બેઠકો યોજી હતી, જેના પરિણામે આજે કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું આજે સુખદ સમાધાન આવ્યું અને આ મહત્વના નિર્ણયો લેવાયા છે. નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતું કે, તા. 01/04/2005 પહેલાં ફિક્સ પગારમાં નિમણૂંક મેળવનાર કર્મચારીઓની નિમણૂંક હુકમની શરતો અનુસાર તેમની ફિક્સ પગારની સેવા, નિવૃતિ વિષયક લાભો તથા અન્ય લાભો માટે પાત્ર ગણાશે નહીં, તેવો ઉલ્લેખ હતો. જે તે કર્મચારીઓએ આ બાબતે લેખિતમાં બાંહેધરી પણ આપી હતી, તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક કર્મચારી અને તેમના પરિવારજનોના હિતાર્થે આ લાભો રાજ્યના આવા 60 હજારથી વધુ કર્મચારીને આપવાનો સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી-કર્મચારીઓ નવી પેન્શન યોજનાના અમલની તારીખ એટલે કે, તા. 01/04/2005 પહેલાં ફિક્સ પગારમાં નિમણૂંક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂંક તા. 01/04/2005 પછી થઇ હોય અથવા તા. 01/04/2005 પહેલાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂંક તા. 01/04/2005 પછીની હોય તેવા તમામને મળીને અંદાજીત 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઇમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી છે. જેનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. વધુમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કર્મચારી મંડળો દ્વારા ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થું તેમજ વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમા પગારપંચ પ્રમાણે અમલમાં લાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત ચાર્જ એલાઉન્સ જે અત્યારે બેઝીક પગારના 5 કે 10 ટકા આપવામાં આવે છે, તેને સાતમા પગારપંચ મુજબ આપવામાં આવે, મુસાફરી ભથ્થું અને દૈનિક ભથ્થાંના દર સુધારવામાં આવે તેમજ વયનિવૃતિ અને અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરવાની બાબતોને લગતી રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *